- એરથાણ ગામના ગ્રામજનોએ દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું
- વર્ષ 1930માં ગાંધીજીએ એરથાણ ગામની આંબાવાડી અને ગામખડી ગામે કર્યો વિસામો
- શનિવારે ઉમરાછીથી સુરત જિલ્લામાં કર્યો હતો પ્રવેશ
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 12 માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ થયો હતો. જે યાત્રા ગતરોજ ઉમરાછી ગામથી સુરત જિલ્લામાં પ્રવેશી હતી, જ્યાં રાત્રિ રોકાણ બાદ સોમવારે આ યાત્રા એરથાણ ગામે આવી પહોંચી હતી. જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -50 મહિલાઓની વૈભવી કારમાં દાંડી યાત્રા, રેસર મીરા એરડા જોડાઈ, જુઓ વીડિયો
અહીંની આંબાવાડીમાં બાપુએ પદ યાત્રિકો સાથે વિશ્રામ કર્યો હતો
વર્ષ 1930માં 79 પદયાત્રિકો સાથે દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનારા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદ યાત્રિકોનું 29 માર્ચ, 1930ના રોજ ઓલપાડ તાલુકાના બપોરે એરથાણ ગામે પ્રવેશ કર્યો હતો. ગામના 79 વર્ષીય પૂર્વ સરપંચ ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, મારા પિતાજી ઘેલાભાઈ નાથુભાઈ પટેલ ગાંધીજીના આગમન સમયે 22 વર્ષના હતા. તેમને કહેતા હતા કે, ગાંધીજી ઉનાળાના ધોમધખતા તાપમાં અમારા ગામમાં આવ્યા હતા. એરથાણ ગામમાં તળાવના કિનારે આંબાવાડી તથા ગામખડી ખાતે દસેક આંબાના ઝાડ અને ચારેક જાંબુડાના વૃક્ષોના છાંયડામાં ગાંધીજીએ વિશ્રામ કર્યો હતો. આ ગામની માટી પોતાના મસ્તક પર લગાવીને ઉંચ-નીચના ભેદભાવ દૂર કર્યા હતા. ગામના દરેક લોકોએ ઘરેથી રોટલા અને શાક લાવીને બાપુ તથા દાંડી યાત્રિકોને જમાડ્યા હતા. જ્યારે પણ અમારા ગામમાં કોઈ પદ યાત્રિકો આવે, ત્યારે ગ્રામજનો તેમને જમાડ્યા વગર જવા ન દે તેમ કહેતા ચીમનભાઈ ઉમેરે છે કે, સરકારે ગાંધીજીના વિચારોથી આજની યુવા પેઢી અવગત થાય તે માટે દાંડીયાત્રા યોજી તે અભિનંદનને પાત્ર છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયન દંપતિ જેમ્સ થોમસ, એક તિબેટીયન નાગરિકોના સમૂહ દ્વારા પણ યાત્રા યોજવામાં આવી હતી.
આ પણ વાંચો -દાંડીકૂચ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણઃ પદયાત્રી