સુરતઃઆમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સ કેસમાં (Drugs Issue Gujarat ) સત્તા પર રહેલી ભાજપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલીયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંધવી કહેતા લાંબા સમય સુધી રાજકારણ ગરમાયું હતું. જોકે, હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ ચાન્સ ચૂક્યા વગર એનો જવાબ આપી દીધો છે. કોઈનું નામ લીધા વગર તેમણે સુરતમાં એક પોલીસ (Gujarat police ) સ્ટેશન અને મોબાઈલ એપ્લિકેશનના લૉંચિગમાં જવાબ આપ્યો છે.
ગુજરાત પોલીસે કામ કર્યુંઃહર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું. ગુજરાત પોલીસે ઘણા બધા યુવાનોનું ભવિષ્ય બચાવ્યું છે. જે ખાસ કરીને નશાના રવાડે ચડી જાય છે. પણ ગુજરાત પોલીસે જે કામ કર્યું કે, કેટલાક નેતાઓને આ કામ ગમ્યું નથી. બે વર્ષ સુધી કોરોનાકાળ રહ્યો એ સમયે કોઈ નેતા ગુજરાતમાં ફરક્યા નહીં. હવે ચૂંટણી નજીક આવતી દેખાય છે એટલે મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરમાં દર્શન કરતા ન આવડતા હોય તો પણ મંદિરમાં લાંબા થઈને દર્શન કરશે. આવાનારા વર્ષો સુધી ક્યાંય દેખાય નહીં એવો જવાબ પ્રજા આવા નેતાઓને આપે. જે ગુજરાતની ધરતીને બદનામ કરવાના પ્રયાસ કરે છે. ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા "નો ડ્રગ્સ ઈન સુરત સીટી" નવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત એટીએસ પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા દિવસે દિવસે ડ્રગ્સ પેડગલો ને પકડવામાં સફળતા મળી છે.