સૂરિશાંતિના ચરમ પટ્ટધર મોક્ષમાર્ગ મસિહા જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા દીક્ષાધર્મનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી મહારાજાએ સુરતના પાલમાં શાંતિવર્ધક જૈનસંઘમાં ચોમાસુ પૂર્ણ કર્યુ. આ બંને આચાર્યો "જિન-યોગ"ની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા 18 દીક્ષાર્થીઓ સંસાર ત્યાગ કરીને સંયમ માર્ગે જવા તૈયાર થયા છે. પ.પૂ.આ.ભ. સોમસુંદરસુરીશ્વરજી મહરાજ,પ.પૂ.આ.ભ.જિનચન્દ્રસૂરિશ્વરજી મહરાજ, પ.પૂ. આ.ભ.શ્રી શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહરાજ., પ.પૂ.આ.ભ.શ્રી યોગતિલક સુરીશ્વરજી મહરાજ,આદિ સુરીરામ તથા સુરિશાંતિ સમુદાયના 350થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં તમામને દીક્ષા મુહૂર્ત અપાયું હતું.
આ દીક્ષા ઉત્સવને પ્રભુ પંથોત્સવ નામ આપવામાં આવ્યુ છે. પ્રભુ પંથોત્સવમાં આ તમામ સાધુ-ભગવંતોની નિશ્રા પ્રાપ્ત થશે. આ ઉત્સવ અધ્યાત્મ નગરી, શ્રી શાંતિવર્ધક જૈનસંઘ પાલ, સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે, પાલના આંગણે યોજાશે.
ત્રિવેણી ઉત્સવ પ્રભુ પંથોત્સવમાં તારીખ 28મી નવેમ્બરે રાત્રે 8.30 વાગ્યે પાલ વિસ્તારમાં સમગ્ર પાલને પવિત્ર અને ઝાકમઝોળ કરતી વાંદોલી નીકળી હતી. 29મી નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે દેવ વિમાન તુલ્ય જિનાલયમાં મેરૂ મહોત્સવને યાદ કરાવતી સ્નાત્રપૂજા, રાત્રે 8.30 કલાકે બાળ કીશોરના રોમરોમમાં ખુમારીનો સંચાર કરાવતી બાળ દ્રશ્યાવલિ બાલવીર જૈનમની ભજવણી થઇ. તારીખ 30મી નવેમ્બરે રાત્રે 9 કલાકે દીક્ષાર્થીઓનો એક અનોખા અંદાઝમાં નવી રોચક શૈલીમાં ભવ્ય વિદાય સમારંભ યોજાશે. તારીખ 1લી ડિસેમ્બરે સવારે 8.30 કલાકે સુરતે ક્યારેય નહીં નીહાળ્યો હોય એવો વર્ષીદાનનો ભવ્ય વરઘોડો સુરતના રાજમાર્ગો પર ફરશે. તો આ સાથે સમસ્ત સુરત સંઘનું સ્વામિ વાત્સલ્ય થશે. સાંજે 7.30 કલાકે અકબરની મુંઝવણ, બિરબલનો જવાબ જીવંત દ્રશ્યાવલિ ભજવાશે. તારીખ 2 ડિસેમ્બરે સવારે 5 વાગ્યે પદપ્રદાન, પ્રવજ્યા અને માળારોપણનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સુરત સહિત સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં ભાવુકો સુરતમાં ઉમટી પડશે. આ તમામ માટે શ્રી સંઘ, અધ્યાત્મ પરિવાર અને નિમંત્રક શ્રી મેતીબેન ઉમેદચંદ રૂપચંદ સંઘવી પરિવાર(સણવાલ) દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.