ઉકાઈ ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડયુ - discharge water
સુરત: શહેર સહિત જિલ્લામાં ગત રોજથી મેઘરાજાનું ફરી આગમન થયું છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે સુરતનો વિયર કમ કોઝવે પણ ભયજનક સપાટીની વટાવી ચુક્યો છે. જ્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમમાંથી સવારના દસ વાગ્યે 24000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યાં 4 હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરી પ્રતિદિવસ 300 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. બીજી તરફ કાંકરાપાર અને મોતીચેર ડેમમાંથી પણ 32167 ક્યુસેક પાણી સુરત વિયર કમ કોઝવેમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે સાંજના 4 વાગ્યા દરમિયાનમાં ઉકાઈમાંથી 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું, તેવી સત્તાવાર જાહેરાત સુરત જિલ્લા કલેકટરે કરી છે. આ સાથે જ સુરત જિલ્લા કલેકટરે તાપી નદીના કાંઠે લોકોને ન જવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. શહેરમાં વરસેલા વરસાદને લઇને કોઝવે પર આહલાદાયક દ્રશ્યો સર્જતા લોકોની મોટી ભીડ ઉમટી હતી.