સુરત :ડાયમંડ સિટી સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાને લોકો દિલદાર બોસ તરીકે ઓળખે છે. તેઓ દિવાળી બોનસ તરીકે તેમના હીરાના કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કાર, મકાન અને ઝવેરાતની ભેટ આપનાર આપતા હોય છે. પરંતુ સવજી ધોળકિયા હાલ તેમના પૌત્રને મજૂર તરીકે કામ કરવા મોકલવા માટે ખુબ જ ચર્ચામાં છે. રુવિન ધોળકિયા રુ. 12,000 કરોડની ડાયમંડ કંપનીના માલિક અને ડાયમંડ કિંગ સવજી ધોળકિયાને પૌત્ર છે. જે અમેરિકાથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફર્યો છે. પરંતું તેને એક અનામી અને સામાન્ય માણસનું જીવન જીવવા માટે ચેન્નાઈ મોકલવામાં આવ્યો હતો.
સંઘર્ષની કથા :રુવિન ધોળકિયા દાદાના આદેશથી 30 જૂનના રોજ રુવિન ધોળકિયા સુરતથી ચેન્નાઈ જવા નીકળ્યો હતો. તેને પોતાની ઓળખ જાહેર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની પણ મનાઈ કરવામાં આવી હતી. જરુરીયાત અને માત્ર ઇમરજન્સી માટે રૂ. 6000 નજીવી રકમ આપવામાં આવી હતી.
સેલ્સમેનની પ્રથમ નોકરી : ચેન્નાઈ પહોંચ્યા પછી રુવિન ધોળકિયાનું પહેલું કામ નોકરી શોધવાનું હતું. જોકે, આ કામ તેના માટે મોટા પડકારોથી ભરેલું હતું. કારણ કે, તેને એક પછી એક ઘણી જગ્યાએ રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. રુવિનની પહેલી નોકરી ચેન્નાઈ હાઈકોર્ટ મેટ્રો પાસે આવેલી કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકેની હતી. અહીં તેણે 9 દિવસ સુધી કામ કર્યું હતું.