- વિકાસ લક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી
- ચલથાણ ગ્રામ પંચાયતના તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
- કરોડો રૂપિયાના કામોનો કોન્ટ્રાકટ અજય મહેતાના ફાળે
સુરત : પલસાણા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પૈકીની એક ચલથાણ ગ્રામ પંચાયતના તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે 2021ના વિકાસ લક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી આચરવા બાબતે થયેલી ફરિયાદ બાદ આ તપાસ શરૂ કારમાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરીના હિસાબનીસ અધિકારી આ ગોબાચારીની તપાસ કરશે. તલાટીએ વિવાદિત કોન્ટ્રાકટ અજય મહેતા સાથે મળી ટેન્ડર ખોલી નાખ્યા હતા અને કરોડો રૂપિયાના કામોનો કોન્ટ્રાકટ અજય મહેતાના ફાળે ગયો હતો. જે અંગે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ફરિયાદ બાદ તપાસ સોંપવામાં આવી હતી.
ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માગ
પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન બાદ ચલથાણ પંચાયત દ્વારા ગામમાં 2020-21ના સત્તરથી વધુ વિકાસ લક્ષી કાર્યો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ટેન્ડર પ્રક્રિયા પહેલાં જ સિલબંધ ભાવોના કવર તલાટી કમમંત્રી કૈશિક પટેલે પોતામાં ઘરે તેમજ અન્ય પંચાયત ઓફિસોમાં જઇ ખોલી નાખી ગોબાચારી આચરી હતી. દરમિયાન ટેન્ડર મિટિંગ પ્રક્રિયા વખતે પંચાયત સભ્ય ભોળાભાઈ બુધેલીયાને આ બાબતનું ધ્યાન જતાં તેમણે ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને સમગ્ર મુદ્દે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત કચેરીએ રજૂઆત કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માગ કરી હતી.