ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી CHCમાં ફાયર NOCની જરૂરિયાત ઉભી થતાં નડતરરૂપ પરબ અને કેબિન દૂર કરાયા - ફાયર NOCની જરૂરિયાત

બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વાહનોની અવરજવર માટે રસ્તો સાંકડો હોવા ઉપરાંત એક જ ગેટ હોવાથી લોકોને આવન-જાવનમાં મુશ્કેલી પડતી હતી. આ ઉપરાંત ફાયર NOC માટે પણ બે ગેટ જરૂરી હોવાથી વહીવટી તંત્રની સૂચનાથી પાલિકાની ટીમે CHCના આગળના ભાગે પરબ અને પાછળ એક કેબિન દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

બારડોલી CHCમાં ફાયર NOCની જરૂરિયાત ઉભી થતાં નડતરરૂપ પરબ અને કેબિન દૂર કરાયા
બારડોલી CHCમાં ફાયર NOCની જરૂરિયાત ઉભી થતાં નડતરરૂપ પરબ અને કેબિન દૂર કરાયા

By

Published : Dec 18, 2020, 7:53 PM IST

  • CHCમાં જવા માટે આગળ અને પાછળ બંને બાજુ ગેટ મળશે
  • હૉસ્પિટલમાં વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડતી હતી
  • ફાયર NOC માટે રસ્તો ખુલ્લો કરાયો
    બારડોલી CHCમાં ફાયર NOCની જરૂરિયાત ઉભી થતાં નડતરરૂપ પરબ અને કેબિન દૂર કરાયા

બારડોલી: બારડોલીના લીમડાચોક વિસ્તારમાં આવેલી બારડોલી સત્યાગ્રહ હૉસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રને ફાયર NOCની જરૂરિયાત ઊભી થતાં વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ બેઠક બોલાવી નડતરરૂપ દબાણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુરુવારે મોડી સાંજે વહીવટીતંત્રની સૂચના મુજબ પાલિકાની ટીમે હોસ્પિટલની આગળના ભાગે આવેલી પાણીની પરબ અને પાછળના ભાગે એક કેબિન તોડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.

સલામતીના કારણોસર કરવામાં આવી કાર્યવાહી

બારડોલી સત્યાગ્રહ હૉસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અંદર જવા અને બહાર નીકળવા માટે એક જ માર્ગ હોવાથી ઈમરજન્સી સમયે મોટી સમસ્યા પેદા થતી હતી. લીમડા ચોક વિસ્તારમાં જ શાકભાજી માર્કેટ પણ આવેલી હોવાથી પ્રવેશદ્વાર પર ટ્રાફિકનું ભારણ પણ વધુ રહે છે. હાલ આ હૉસ્પિટલને કોવિડ 19 ડેડીકેટેડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે. રાજ્યમાં કોવિડ 19 હૉસ્પિટલમાં આગના બનાવો બની રહ્યા હોવાથી સલામતીના ભાગ રૂપે બારડોલી સત્યાગ્રહ હૉસ્પિટલોમાં પણ ફાયરની સુવિધા ઉપરાંત ફાયર NOC લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ફાયર NOCના નોર્મ્સ પૂરા થતાં ન હતા

ફાયર NOC માટે પ્રવેશદ્વારની સાથે બહાર નીકળવાનો પણ માર્ગ હોવો જરૂરી છે. આ ઉપરાંત રસ્તો પણ પહોળો હોવો જોઈએ. આથી કેટલાક નોર્મ્સ પૂર્ણ થતાં ન હોય હૉસ્પિટલને NOC મળી શકે એમ ન હતું. આથી અધિક્ષક ડૉ. અમૃત પટેલે આ અંગે બારડોલી નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગમાં જાણ કરી હતી. તેમણે આગળનો પ્રવેશ દ્વાર તેમજ રસ્તો પહોળો કરવા તેમજ પાછળની તરફ કમ્પાઉન્ડ વોલ તોડી પ્રવેશ માટેનો વધુ એક રસ્તો બનાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

તંત્રએ તાત્કાલિક બેઠક બોલાવી ડિમોલિશન દૂર કરવા સૂચના આપી

આ રજૂઆતના પગલે એસડીએમ તેમજ મામલતદાર દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પાણીની પરબ અને પાછળની બાજુ એક કેબિન તોડી બીજો રસ્તો બનાવી આપવાની પાલિકા તંત્રને સૂચના આપવામાં આવી હતી. પાલિકાની ટીમે સૂચના મુજબ ગુરુવારે સાંજે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં પાછળની બાજુ એક કેબિન તેમજ કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જ્યારે પ્રવેશદ્વાર પાસે આવેલી પાણીની પરબ અડધી તોડી રસ્તો પહોળો કરવાની કામગીરી કરાઇ હતી.

રસ્તો પહોળો થવાની સાથે બે ગેટ પણ મળશે

આમ બારડોલી સત્યાગ્રહ હૉસ્પિટલને પહોળો રસ્તો મળવાની સાથે હવે બે પ્રવેશદ્વાર પણ મળશે જેને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થવાની સાથે ઈમરજન્સીમાં સમયે મોટી મુશ્કેલી ટાળી શકાશે.

ગણેશ મંડળ સાથે ચર્ચા બાદ પરબનો અડધો ભાગ દૂર કરાયો

બારડોલી સત્યાગ્રહ હૉસ્પિટલના આગળના ભાગે આવેલી પાણીની પરબનું સંચાલન વર્ષોથી લીમડા ચોકમાં આવેલા ગણેશ મંડળ દ્વારા કરવામાં આવે છે. પાલિકા અને વહીવટીતંત્રની ટીમે ગણેશ મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પરબનો અડધો ભાગ તોડી રસ્તો ખુલ્લો કરવાનું નક્કી થયું હતું. જે અનુસાર પાણીની પરબનું ડિમોલિશન કાર્ય હાથ ધરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details