- સુરત જિલ્લા ખેડૂત સમાજે બારડોલી મામલતદારને આપ્યું આવેદન
- જિલ્લામાં ખેતી પાકોને થયું છે મોટું નુકસાન
- કેળા, પપૈયા, કેરી સહિતના બાગાયતી ઉપરાંત ડાંગરના પાકને નુકસાન
સુરત: જિલ્લા ખેડૂત સમાજ દ્વારા તૌકતે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનનું વાસ્તવિક વળતર આપવાની માગ સાથે બારડોલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાને કારણે સુરત જિલ્લાના ખેડૂતોને કેળાં, પપૈયાં, ડાંગર, કેરી, તલ વગેરે અનેક પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ
વળતર બાબતે સુરત જિલ્લાના ખેડૂતોની થાય છે અવગણના
ખેતી પેદેશોના નુકસાનના વળતરની બાબતે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લાની સતત અવગણના કરવામાં આવે છે. જે રીતે અન્ય પ્રદેશોને નુકસાનનું પૂરેપુરું વળતર આપવામાં આવે છે ત્યારે સુરત જિલ્લામાં થયેલા નુકસાનની સામે મજાક સમાન નહિવત જેવુ વળતર આપવામાં આવતું હોવાનું જણાવ્યુ હતું.
10 હજાર રૂપિયા કેશડોલ સ્વરૂપે તાત્કાલિક ચૂકવવા માગ
સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને થયેલા વાસ્તવિક વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. એટલું જ નહીં જ્યાં સુધી ખેડૂતોના ખાતામાં રકમ જમા નહીં થાય ત્યાં સુધીમાં અસરગ્રસ્ત ખેડૂતોને એકરદીઠ તાત્કાલિક દસ હજાર રૂપિયાની કેશડોલ આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. જેથી ખેડૂત નવો પાક ઊભો કરી શકે. આ આવેદનપત્ર સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ, બારડોલી તાલુકાના ખેડૂત સમાજ પ્રમુખ અરવિંદ પટેલ, ખેડૂત અગ્રણી રાજેશ પટેલ સહિતના આગેવાનોએ બારડોલી મામલતદાર જીજ્ઞા પરમારને સુપ્રત કર્યું હતું અને તેમની વાત સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડું : મહુવામાં ડાંગરને મોટું નુકસાન, તૈયાર પાક વરસાદમાં ભીંજાયો