બારડોલી: કોરોનાના કારણે આર્થિક મંદીનો સામનો કરવામાં હવે ટ્રાવેલ્સ ઉદ્યોગ પણ બાકાત નથી. હાલમાં મોટા ભાગના ટુરિઝમ પોઈન્ટ, સ્કૂલો, ધાર્મિક યાત્રા બંધ હોવાથી ટ્રાવેલ્સ બસના સંચાલકોની સ્થિતિ દયનીય બની છે. આથી બારડોલીના ટ્રાવેલ્સ એસોસિએશને વિવિધ માગ સાથે બારડોલી પ્રાંત અધિકારી વી. એન. રબારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે માગ કરી હતી કે, એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ, રોડ ટેક્સમાં એક વર્ષ માટે રાહત અને લોનના હપ્તા તેમ જ વ્યાજમાં રાહત આપવામાં આવે.
ટેક્સમાં રાહત આપવા બારડોલી ટ્રાવેલ્સ એસોસિએશનની માગ - Relief
કોરોનાના કારણે કોઈ પણ એવો ધંધો નથી જે આર્થિક મંદીનો સામનો ન કરતું હોય. ટ્રાવેલ્સ ઉદ્યોગ પણ આમાંથી બાકાત નથી. હાલમાં મોટા ભાગના ટુરિઝમ પોઈન્ટ, સ્કૂલો, ધાર્મિક યાત્રા બંધ હોવાથી ટ્રાવેલ્સ બસના સંચાલકોની સ્થિતિ દયનીય બની છે. આથી બારડોલીના ટ્રાવેલ્સ સંચાલકોએ વિવિધ માગ સાથે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે હાલમાં ધાર્મિક યાત્રા, પ્રવાસ, સ્કૂલ, શુભપ્રસંગો વગેરે બંધ હોવાથી પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયા છે. આથી ડ્રાઈવર, કંડક્ટર, ઓફિસ સ્ટાફ અને માલિકોના પરિવારનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ બની ગયું છે. હાલમાં સરકારે 50 ટકા પેસેન્જર સાથે ટેમ્પો, ટ્રાવેલર, મિની બસ અને લક્ઝરી બસ ચલાવવાની મંજૂરી આપી છે, પરંતુ 50 ટકા પેસેન્જર સાથે વાહન ચલાવવા માલિકોને પોષાતું નથી. ડિસેમ્બર સુધી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાબેતા મુજબ થાય તેવા હાલમાં કોઈ સંજોગ દેખાતા નથી. આવા સંજોગોમાં બારડોલીમાં ટ્રાવેલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સરકારે રોડ ટેક્સમાં આપેલી રાહત સપ્ટેમ્બર મહિના સુધી જ માન્ય છે. આગામી 12 માસ માટે બેન્કના હપ્તા અને વ્યાજમાં રાહત આપવામાં આવે. કારણ કે છેલ્લા 6 મહિનાથી આવક ન થઈ હોય તેવા લોકોને હપ્તા અને વ્યાજ ભરવામાં મુશ્કેલી પડશે. વીમાની અવધિ પણ 6 મહિના લંબાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.