ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર - સુરત

શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોંક નગરી ગણાતી બારડોલીમાં પોંકનું વેચાણ શરુ થઇ ગયું છે, જોકે ચાલુ વર્ષમાં વરસાદ ખેચાતા યોગ્ય ઉતાર થયો નથી. તો છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પણ જુવારના પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાત કોરોના મહામારીને કારણે NRI પણ નહિ આવતા પોંક સીઝન ફીકી જોવા મળી રહી છે.

બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર
બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર

By

Published : Dec 13, 2020, 3:44 PM IST

  • બારડોલીની ઓળખ છે પોંક
  • આ વખતે સિઝન મોડી શરૂ થવાની સાથે બજાર નરમ
  • આ વર્ષે કમોસમી વરસાદે પણ પાકને પહોંચાડ્યું નુકશાન

બારડોલી: સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ જુવારનો પોંક ખાવા પોક રસિયાઓને સળવળાટ થવા માંડે એ સ્વાભાવિક છે. તીખી, મોળી, લીંબુ મરી વાળી અલગ-અલગ પ્રકારની સેવા અને સાકરીયા ચણા સાથે પોંક લિજ્જત માણવાની મજા જ કઈ અલગ છે. ખાસ કરીને સુરત જિલ્લામાં પોંકની ખેતી બારડોલીની આજુબાજુના ગામોમાં થાય છે. શિયાળો શરૂ થતા જ વાનીની જુવાર પકવતા ખેડૂતોએ પોંકનો ઉતાર કરવાનું શરુ કરીને તેનું વેચાણ શરુ કરી દીધું છે.

બારડોલીની આજુબાજુના ગામોમાં જ થાય છે પોંકની ખેતી

સુરત જિલ્લામાં માત્ર શેરડીની ખેતી કરતા આદિવાસી ખેડૂતો શેરડીના વિકલ્પ તરીકે રોકડી કમાણી કરી આપતો આ વાની જુવારનો પાક લેવાનું પસંદ કરે છે. આ પાક બારડોલીની નજીક આવેલા કિકવાડ, ભટલાવ, ઉતારા ,વધાવા, સેજવાડ, હિંડોલીયા ગામના ખેડૂતો કરે છે.

બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર

કોરોનાને કારણે ઓછું વાવેતર થતા ભરૂચ જિલ્લામાંથી જુવાર લાવવું પડે છે

ગત વર્ષની સરખામણીએ આ વખતે કોરોના મહામારીને કારણે ખેડૂતોએ ખૂબ ઓછી માત્રામાં જુવારનું વાવેતર કર્યું હતું. જેને કારણે ઉતાર પણ ઓછો જોવા મળી રહ્યો છે. જેને કારણે કેટલાક વિક્રેતાઓ જુવારનો જથ્થો ઓછો હોવાથી ભરૂચ જિલ્લામાંથી જુવારના ડુંડા લાવીને પોંક પાડી રહ્યા છે. તો બીજી તરફ બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે પણ પોંકને નુકસાન થઈ રહ્યું છે. જુવારના દાણા લાલ થઈ જવાથી પોંકની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે. તેને કારણે પણ ખેડૂતો અને પોંક વિક્રેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

આ રીતે તૈયાર થાય છે પોંક

ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે. જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતા જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક બનાવવાની પ્રક્રિયા હાથ ધરે છે. સૌપ્રથમ ડુંડા કાપી તેને એક મોટી ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. થોડી વાર શેકાયા બાદ આ ડુંડાને એક કાપડની વિશેષ થેલીમાં રાખી તેમાં લાકડીથી પોંક છૂટો પાડવામાં આવે છે. ત્યારબાદ ત્યા કામ કરી રહેલી મહિલાઓ આ પોંકને એક સુપડામાં રાખી કચરાની સફાઈ કરી ઉચ્ચ ક્વોલિટીનો પોંક અલગ કરે છે. આ રીતે તૈયાર થેયલો પોંક બજારમાં વેચવા માટે મુકવામાં આવે છે.

500 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાય છે

જુવારની વાનીમાંથી તૈયાર થયેલા પોંકના ભાવની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ભાવમાં કોઈ ફેર જોવા મળ્યો નથી. આ વર્ષે પણ 500 રૂપિયા પ્રતિકિલોના ભાવથી વેચાણ થઈ રહ્યું છે.

આ વખતે સિઝન મોડી શરૂ થઈ

પોંકના પાકમાં ઉતાર ઓછો આવતાની સાથે જ આ વખતે સીઝન પણ 15થી 20 દિવસ મોડી શરુ થઈ છે. જુવારનો પોક લેવામાં હવે બારડોલી પંથકના ખેડૂતોને સારી ફાવટ આવી ગઈ છે, અને સંજોગો ગમે તેવા હોય પણ પોંક રસિયાઓ પોંકની મઝા માણવાનું ચુકતા નથી.

NRI નહિ આવતા વેચાણ ઓછું

દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર માસમાં મોટી સંખ્યામાં NRIઓ આવતા હોય છે. જેથી પોંકના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. પોંક બજારમાં વાહનોની લાંબી કતાર લાગી જતી હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે NRI આવ્યા નથી. જેને કારણે દર વર્ષ કરતા આ વર્ષે પોંક બજાર ઠંડુ રહેવાનું પણ ખેડૂત માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details