સુરત : શહેરના ઉધના ભાઠેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિલ્ડર પાસેથી વોર્ડ નં-18ના પાલિકાના કોંગ્રેસ મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલએ ગેરકાયદેસર એપાર્ટમેન્ટ હોવાની ખોટી પાલિકામાં અરજી કરીને પૈસા પડાવવા માટે એક લાખની લાંચ માંગી હતી. જેને લઈને સુરત એસીબીની ટીમે ગત 10મી ડિસેમ્બરના રોજ બપોરે ઉધના દરવાજા પાસે છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરના વાઉચર અને ઉધનામાં કાર્ટીંગનો વેપાર કરતા હિતેશ મનુ પટેલને 50 હજારની લાંચ સ્વિકારતા રંગેહાથે પકડી પાડ્યો હતો. જેમાં કોર્પોરેટર કપિલા પટેલનું નામ બહાર આવ્યુ હતું અને કોર્પોરેટર કપિલા પટેલ અને તેનો પતિ ફરાર થઈ ગયા હતા.
સુરત લાંચ પ્રકરણઃ કોંગી કોર્પોરેટરના પતિ આગોતરા જામીન અરજી સાથે સુરત ACBમાં હાજર થયાં - latest Crime news
સુરતમાં બિલ્ડર પાસેથી એક લાખની રૂપિયા લાંચ માંગવામાં સંડોવાયેલા આરોપી ક્રોંગ્રેસની કોર્પોરેટર કપિલા પટેલેનો પતિ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી સાથે સુરતમાં એસીબીમાં હાજર થયો છે. હાલ તો પોલીસે નિવેદન નોંધ્યું છે અને પત્ની કપિલા અંગે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેટર કપિલા અને તેના પતિએ ગત 19 ડિસેમ્બરના રોજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં પતિ પલ્કેશને આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે કોર્પોરેટર કપિલાના આગોતરા જામીન અરજી પેન્ડીંગ છે. હાલ તો કોર્પોરેટરના પતિને આગોતરા જામીન મળતા સુરત એસીબીમાં હાજર થયો હતો. જેથી પોલીસે ધરપકડ કરી નિવેદન નોંધ્યું હતું.
જોકે, આગોતરા જામીન સાથે હાજર થયેલા પલ્કેશ પટેલને જરૂરી કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવશે. પોલીસ પત્ની કપિલા અંગે પૂછપરછ કરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.