- લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મળ્યો મોબાઇલ
- નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ
- બેરેક નંબર 5 અને 66 ની વચ્ચે શંકાસ્પદ હિલચાલ
સુરત: રાજ્યની સૌથી અત્યાધુનિક લાજપોર મધ્યસ્થ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ચેકીંગ દરમિયાન બેરેક નંબર 5 અને 66 ની વચ્ચે શંકાસ્પદ હિલચાલ જણાતા બેરેક અને કોમન શૌચાલય-સ્નાનગૃહમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરાતા કોમન શૌચાલય નંબર 22માંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
શૌચાલયના દરવાજા પાસેથી મળ્યો મોબાઈલ
દુષ્કર્મી નારાયણ સાંઈની બેરક પાસે શૌચાલયના દરવાજા પાસેથી સીમ અને બેટરી સાથે મોબાઈલ મળી આવ્યો હતો. હાલ સાધિકા સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ મોબાઈલ નારાયણ સહિત 5 પાકા કામના આરોપી ઉપયોગ કરતા હોવાનું સામે આવતા સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારાયણ સહિત પાંચ પાકા કામના કેદીઓ સામે ફરિયાદ
પોલીસે નારાયણ સાથે મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયદ, નવીન દલપત ગોહિલ નામના પાકા કામના કેદીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.