કોસંબાથી ઉમરપાડા રેલવે નેરોગેજ માંથી મીટર પરિવર્તિત કરવા માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા સુરત:પશ્ચિમ રેલ્વે વિભાગ અંતર્ગત 467.58 કરોડના ખર્ચે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઈનને નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે વિભાગ દ્વારા હાલ મંજૂરી આપી દીધી હોવાનું બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતુ. આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવા, કોસંબા એપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશના વર્ષો જૂના પડતર પ્રશ્નોનુ ઝડપી નિરાકરણ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. પી.એમ.ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ રેલ્વે ખાતાના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબાથી ઉમરપાડા વચ્ચેની 69 કિલો મીટર લંબાઈની રેલ્વે લાઈનને નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રૂપિયા 467.58કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. ગેજ રૂપાંતરનો આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમજ ઉમરપાડાથી નંદુરબાર સુધી રેલવે લાઈન લઈ જવા માટે સર્વેનુ કાર્યની વિગતો પણ સાંસદ પ્રભુ વસાવાએ આપી હતી"--પ્રભુ વસાવા ( બારડોલી લોકસભાના સાંસદ)
પર્યાવરણ જળવાશે:બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે રેલ્વે એ દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. રેલવેના કારણે સામાજિક સંબંધો મજબૂત થાય છે. દેશની સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય છે. આ લાઇનનું વિદ્યુતીકરણ થવાથી પર્યાવરણ જળવાશે અને પ્રદુષણ અટકવાની સાથે સ્થાનિક વિસ્તારના લોકોના સમયનો બચત થવાની સાથે અવરજવરમાં સરળતા રહેશે અને વધુ સારી રેલ કનેક્ટિવિટી ઉભી થશે.
આભારની લાગણી:ખાસ કરીને આ પંથકના આદિવાસી વિદ્યાર્થી યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રાહતદરે રેલ્વેની સુવિધાનો લાભ મેળવી શકશે. આ વિસ્તારના સ્થાનિક ખેડુતોને પોતાની ઉપજ માર્કેટ સુધી પહોંચાડવામાં સરળતા થવાની સાથે કુદરતી પર્યાવરણને કારણે પ્રવાસનને વધુ વેગ મળશે. આ રેલ્વે પ્રોજેક્ટ મંજુર કરવા બદલ નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રેલ્વે વિભાગના પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રત્યે આભારની લાગણી સાંસદ પ્રભુભાઈ વસાવાએ વ્યક્ત કરી હતી.
- Surat News : પાડોશમાં સુસાઇડ નોટ નાખીને આત્મહત્યા કરવા જતા યુવકને ફાયર વિભાગે દરવાજો તોડીને બચાવ્યો
- Surat News : સુરતમાં મોબાઈલ ચાર્જ ખેંચતા બોર્ડનો તાર યુવકને અડી ગયો, તરત પ્રાણ પંખીડા ઉડી ગયા