ગુજરાત

gujarat

ETV Bharat / state

આગની ઘટના બાદ બારડોલી ફાયર વિભાગ દ્વારા બે ગોડાઉન સીલ કરાયા - બારડોલી આગ

બારડોલીના ગાંધી રોડ પર દેસાઈનગર નજીક આવેલા વિરાણી ટાવર્સમાં બુધવારે રાત્રે લાગેલી આગ બાદ આજરોજ બારડોલી ફાયર વિભાગ દ્વારા બે ગોડાઉન સીલ કરવામાં આવ્યાં હતાં. ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ગોડાઉનો સીલ કરાયાં હતાં. બીજી તરફ આખી સાત માળની બિલ્ડિંગની પરવાનગી લેવામાં આવી ન  હોવાનું બહાર આવતાં પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ છે.

આગની ઘટના બાદ બંને ગોડાઉનોમાં ફાયર સેફટી ન હોઈ સીલ કરાયા
આગની ઘટના બાદ બંને ગોડાઉનોમાં ફાયર સેફટી ન હોઈ સીલ કરાયા

By

Published : Feb 26, 2021, 7:44 PM IST

  • બુધવારે રાત્રે બૂટના ગોડાઉનમાં લાગી હતી આગ
  • મોડી રાત સુધી ચાલી હતી આગ બૂઝાવવાની કામગીરી
  • રહેણાંક વિસ્તારોમાં આવ્યાં છે ગોડાઉન
    બારડોલીમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ગોડાઉનો સીલ કરાયાં હતાં

બારડોલી : બારડોલી ગાંધી રોડ પર દેસાઈ વિલાની પાછળ દેસાઈનગરમાં આવેલા વિરાણી ટાવર્સ અને તેની બાજુના રેસિડેન્સ મકાનના ભોંય તળિયે વસીમભાઈ મેમણનું બૂટનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં બુધવારે રાત્રે અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં બારડોલી ઉપરાંત કડોદરા, કામરેજ, કિમ, માંડવી, વ્યારાથી ફાયર ફાયટર બોલાવવાની ફરજ પડી હતી.

માનવતાના ધોરણે બિલ્ડિંગ સીલ કરવાનું ટાળ્યું

આ ઘટના બાદ આજે ગુરુવારના રોજ બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગોડાઉનમાં અને બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ન હોઇ ફાયર વિભાગ દ્વારા બે ગોડાઉન સીલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે બિલ્ડિંગમાં કેટલાક પરિવારો રહેતાં હોઇ માનવતાના ધોરણે હાલ સીલ મારવામાં આવ્યું ન હોવાનું નગરપાલિકા કર્મચારીઓએ જણાવ્યું હતું.

પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને છે

બારડોલી નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં અનેક વખત પરવાનગી વગરની મિલકતો અને ફાયર સેફટીની સુવિધા અંગે નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ પાલિકા માત્ર નોટિસ ફટકારીને જ સંતોષ માની લે છે. જ્યારે આવી દુર્ઘટના સર્જાય ત્યારે પાલિકા દોડતી થઈ જાય છે. પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

આગથી 15 જેટલા પરિવારના જીવ જોખમમાં મૂકાયાં હતાં

ગતરોજની ઘટનામાં 15 જેટલા પરિવારોનો જીવ જોખમમાં મૂકાયાં હતાં. કથિતરૂપે આખું બિલ્ડિંગ પરવાનગી વગરનું હોવા ઉપરાંત રહેણાંક વિસ્તારમાં ગોડાઉન હોવા છતાં પાલિકા દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે પાલિકા અને ફાયર વિભાગની બેદરકારી છતી કરે છે. પાલિકાની બેદરકારીને કારણે જ ગંભીર દુર્ઘટના સર્જાય છે. ત્યારે સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોઇ પાલિકા માટે રાહતના સમાચાર છે.

ABOUT THE AUTHOR

...view details