ગુજરાત

gujarat

ETV Bharat / state

હકારાત્મક વિચારો અને પ્રેરણાથી અંધ સંદિપભાઈ કરી રહ્યા છે ખાખરા, પાપડ અને પાતરાનું વેચાણ - suratnews

સુરત: દિવ્યાંગ અને સ્પેશિયલી એબ્લડ પર્સન" આ બે શબ્દો માત્ર શબ્દો નથી. પરંતુ એક લાગણી છે કે, જે સ્પેશિયલ વ્યક્તિઓ સામે જોવાનો નજરીયો દર્શાવે છે. આજે જ્યારે લોકોમાં પહેલા જમાના કરતા આ વ્યક્તિઓને જોવાનો નજરીયો બદલાયો છે. ત્યારે સાથે સાથે દિવ્યાંગોનાં મનમાં પણ કંઇક કરવાનો ઉત્સાહ વધ્યો છે. ત્યારે સુરતના 45 વર્ષીય સંદિપ જૈન ઘરે બેસવાની જગ્યાએ પાપડ, ખાખરા અને અન્ય ખાવાની વસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

etv bharat surat

By

Published : Oct 24, 2019, 11:56 AM IST

આધુનિક યુગમાં સામાન્ય વ્યક્તિ જ્યારે 8 કલાકની નોકરીથી કંટાળી જાય છે. ત્યારે 20 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કરનાર સંદિપભાઈ પૂર્ણપણે અંધ છે. છતાં સુરતના ઘોડાદોડ વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની બહાર કાઉન્ટર મૂકીને પાપડ, ખાખરા, બારડોલીના પાતરા, વેફર, દેશી ગોળની ચીકી,સિઝન પ્રમાણે ચોળાફળી, મઠીયા તેમજ કાજુ,બદામ, દ્રાક્ષ જેવા ડ્રાયફૂટ વહેંચે છે. સંદિપભાઈ પહેલા મુંબઈ શહેરના બોરીવલ્લી અને મલાડ બ્રિજ પર પાપડ વહેંચવાનું કામ કરતા હતા.

અંધ સંદિપભાઈ કરી રહ્યા છે ખાખરા, પાપડ અને પાતરાનું વેચાણ

ત્યાર બાદ તેમણે ટ્રેનમાં દરેક ડબ્બામાં જઈને પાપડ વહેંચવાનું કામ ચાલુ કર્યું પરંતુ ત્યાં ઘણીવખત સામાન્ય વ્યક્તિ અને પોલીસ અધિકારીઓ દ્વારા તેમની જોડે તોછડાયભર્યુ વર્તન કરવામાં આવતું હતું. જેને પરિણામે તેઓ પાપડ મુંબઈ પહોંચાડવાનું કામ કર્યું હતું. એક સામાન્ય વ્યક્તિ જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિમાં નાસીપાસ થઈ જતો હોય એ સમયે પણ સંપૂર્ણપણે અંધ સંદિપભાઈએ કામ કરવાનું પડતું મૂક્યું નહીં. કારણકે તેઓ મહેનત કરીને જીવવા માંગે છે.

ત્યારબાદ તેઓ અડાજણમાં STD/PCO ચલાવતા હતા. એ સમયે તેઓ મહિને 20 થી 25 હજાર આવક ધરાવતા હતા.પરંતુ STD/PCO બંધ થતાં તેમણે પાપડ, ખાખરા, વેફર વહેંચવાનું કામ ચાલુ કર્યું છે. જેમાં તેઓ મહિને સિઝન પ્રમાણે આશરે 11થી 15 હજાર આવક પાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

અંધ સંદિપભાઈ કરી રહ્યા છે ખાખરા, પાપડ અને પાતરાનું વેચાણ

S.Y.BA સુધી અભ્યાસ કરનાર સંદિપભાઈના પરિવારમાં તેમના અંધ પત્નિ અને બે દીકરા છે. જેમાંથી તેમના પત્ની અંધ છે. અને દિકરાઓમાંથી મોટો દીકરો કોલેજમાં અને નાનો દીકરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. અંધ હોવા છતાં સંદિપભાઈ સામાન્ય નોકરીયાત વર્ગની જેમ જ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી મહેનત કરે છે. સામાન્ય લોકોની જેમ જ એન્ડ્રોઈડ ફોનમાં એક્સેસીબલિટીમાં ટોક બેક નામના ઓપશનનો ઉપયોગ કરે છે. ખાસ વાત તો એ છે કે , તેની મદદથી તેઓ સ્વિગી અને ઓલા પણ ઓપરેટ કરે છે. જ્યારે તેમને પૈસામાં ડાઉટ લાગે ત્યારે એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખાતરી પણ કરી લે છે.

સંદિપભાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં ભિખારીઓ તો એમ જ ઉભા થયા છે. બાકી મહેનત કરનારને ક્યારેય ભુખું સૂવું પડતું નથી. હું મહેનતમાં વિશ્વાસ કરું છું એનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, મેં જ્યારે વરાછામાં પાપડ વહેંચવાનું શરૂ કર્યું ત્યારે એવું પણ થયું કે દિવસમાં એક પેકેટ પણ ન વહેંચાયું હોય પણ છતાં મેં કામ કરવાનું ચાલુ રાખ્યું અને અંતે મને સફળતા પણ મળી છે.

ABOUT THE AUTHOR

...view details