- ચલથાણ સુગર ફેક્ટરીના ટાઈમકિપરનું ટ્રકની અડફેટે મોત
- નેશનલ હાઈ-વે ક્રોસ કરતી વખતે ટ્રકે મારી ટક્કર
- સ્થાનિકોએ ટ્રકચાલકને પકડી પોલીસને સોંપ્યો
સુરત: કડોદરા ચાર રસ્તા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત
કડોદરા ચાર રસ્તા નજીક આવેલો હાઈ વે ક્રોસ કરતી વખતે પૂર ઝડપે આવતી ટ્રકે બાઈકચાલકને ટક્કર મારી હતી. આ ટ્રકની ટક્કર વાગતા ચલથાણ સુગર ફેક્ટરીમાં કામ કરતા આધેડનું મોત થયું હતું. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલી: કડોદરા ચાર રસ્તા નજીક આધેડ બાઈક પર હાઈ-વે ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે હાઈ-વે પર પૂરઝડપે આવતી એક ટ્રકે ટક્કર મારી દેતાં બાઈકસવારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ભેગા થઈ ગયેલા લોકોએ ટ્રકચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. ચલથાણ સુગર ફેકટરીમાં ટાઈમ કિપર તરીકે ફરજ બજાવતા અને પલસાણા તાલુકાના ડાંભા ગામે રહેતા ભરતસિંહ ડાહ્યાભાઈ સોલંકી મંગળવારે પોતાના બાઈક પેશન પ્રો. નંબર GJ 05 HK 4951 લઈ કડોદરા આવેલા સીએનજી પંપની સામેથી ને. હા. 48 ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે મુંબઈ તરફથી પૂર ઝડપે આવતી ટ્રક નંબર MH 43 BP 6431એ તેમની બાઈકને અડફેટમાં લીધી હતી.
ગંભીર ઈજા થતા બાઈકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત
આ અકસ્માતમાં નીચે પટકાયેલા ભરતસિંહને માથાના ભાગે તેમ જ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત જોઈ નજીકના પોઈન્ટ પર ઊભેલા ટ્રાફિક પોલીસના યુવાનો પણ ઘટનાસ્થળે દોડી આવી ટ્રક ડ્રાઈવરને ઝડપી ટ્રક કબજે લીધી હતી. ઘટના બાદ 108 એમ્બુલન્સને ફોન કરતા એમ્બુલન્સના ડોકટરે ભરતસિંહને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ વાયુવેગે ડાંભા ગામમાં ફેલાઈ જતા મોટાભાગના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ઘટનાની ગંભીરતા જાણી ઘટના સ્થળેથી ટ્રાફિક હળવું કરી ભરતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
સીએનજી પાસેનો કડ ખૂબ જ ગોઝારો, 5 વર્ષમાં અનેકનો ભોગ લેવાયો
કડોદરા નગરમાં આવેલા સીએનજી પાસેના કટને ગોઝારો ગણવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં અહીં અકસ્માતોની વણજાર સર્જાઈ છે, છતાં તંત્ર યોગ્ય પગલાં લેતું નથી સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં ઓવરબ્રીજ મંજૂર થયાને પણ વર્ષો વીતી ગયા છે, પરંતુ સરકાર હજુ અહીં મોટા અકસ્માત સર્જાય અને મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોતી હોય એવું લાગી રહ્યું છે. સુગર મીલની ટ્રક તેમ જ 10 વધુ ગામોને જોડતા મુખ્ય માર્ગ પર જવા માટે આ કટને કરવો પડતો હોવાથી અહીં હરહંમેશ વાહનોની અવર જવર રહે છે.