- બારડોલી નગરપાલિકાનું 74 કરોડનું બજેટ માત્ર જ 1 મિનિટમાં મંજૂર
- વિપક્ષે બજેટ મંજૂરની ઘટનાને તાનાશાહી ગણાવી
- 1.43 કરોડની પૂરાંતવાળું બજેટ મંજૂર
સુરત : બારડોલી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ મંગળવારના રોજ મળેલી સામાન્ય સભા માત્ર એક મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. વિરોધ પક્ષના માત્ર ચાર સભ્યો રજૂઆત કરે તે પહેલાં જ પ્રમુખ ફાલ્ગુની દેસાઈ એજન્ડાના કામોનું ફટાફટ વાંચન કરી મિટિંગ પૂર્ણ થયેલી જાહેર કરી હતી. વિપક્ષે આને તાનશાહી ગણાવી મિટિંગ રદ્દ કરવાની માગ કરી છે.
વિપક્ષ કઈ પૂછે તે પહેલાં જ મિટિંગ પૂર્ણ
બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા નવનિયુક્ત પ્રમુખ ફાલ્ગુની દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડાના બે કામો અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો અંગે કાર્યવાહી કરવાની હતી. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન અને બહાલી આપવાનો એજન્ડા શરૂ થતાં વિપક્ષ કોંગ્રેસના ફરીદ ગજીયા સૂચન આપવા માટે ઉભા થયા હતા, પરંતુ વિપક્ષ કંઈ પૂછે તે સમયે ફાલ્ગુનીએ એજન્ડાના કામોનું વાંચન ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો -બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડનું બજેટ મંજુર
કર્મચારીઓની ભરતી માટે પસંદગી સમિતિની રચના
આ સાથે જ સભામાં આગામી વર્ષ 2021-22ના બજેટ કેટલું છે અને નવા કોઈ પ્રોજેક્ટ છે કે, નહીં તે પણ સભામાં જાહેર કર્યા વગર સભા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી. અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામોમાં નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે પસંદગી સમિતિની રચનાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ તમામ કામો માત્ર એક મિનિટમાં આટોપી લેવાયા હતા.