- રોજ બે ટેમ્પો ભરીને લાકડા મોકલવામાં આવે છે
- 5 દિવસથી સતત લાકડાં પહોંચાડવામાં આવી રહ્યા છે
- સ્મશાનોમાં લાકડાંની તંગી ઉભી થતા દાનવીરો કરી રહ્યા છે દાન
સુરત:બારડોલીમાં કોરોના મહામારી મૃત્યુદરમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને કારણે સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઇન લાગી રહી છે. સ્મશાન ગૃહોમાં લાકડાનો જથ્થો પણ ઘટી રહ્યો છે ત્યારે લાકડાં માટે દાનવીરો પણ સામે આવી રહ્યા છે. બારડોલીના ભામાશાઓએ છેલ્લા પાંચ દિવસથી સુરત શહેર અને જિલ્લાની અલગ-અલગ સ્મશાન ભૂમીઓમાં ચિતા માટેના લાકડાં મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3,000 મણ જેટલા લાકડાં સ્મશાન ગૃહો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં કોરોના પ્રકોપ, મુક્તિધામમાં CNG ભઠ્ઠી સતત બળતી રહેતા દરવાજાની એંગલ પીગળી ગઈ
સ્મશાનોમાં લાકડાંની તંગી ઉભી થતા સર્જાય રહી છે મુશ્કેલી
કોરોનાના બીજા વેવમાં અચાનક વધી રહેલા સંક્રમણની સાથે-સાથે મૃતક આંક પણ વધ્યો છે. રોજના અનેક લોકો આ જીવલેણ બીમારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. હિન્દુ રીત-રિવાજ મુજબ મૃતદેહને અગ્નિદાહ આપી તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. અગ્નિદાહ માટે લાકડાંની પણ જરૂર પડતી હોય છે. એક મૃતદેહને અગ્નિદાહ માટે અંદાજિત ત્રણ મણ જેટલા લાકડાં જરૂરી છે. જોકે હાલ ઘણી જગ્યાએ ગૅસ આધારિત ભઠ્ઠીઓ ચાલી રહી છે પરંતુ મૃતદેહની સંખ્યા જોતાં આ ભઠ્ઠીઓ ખૂબ જ ઓછી પડી રહી છે. મૃતદેહોને યોગ્ય રીતે અને સમયસર અગ્નિદાહ આપી શકાય એટલા માટે કેટલાક ઠેકાણે સ્મશાન ગૃહ નજીક મોટા પ્રમાણમાં લાકડાની કામચલાઉ ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી છે. આથી લાકડાંની જરૂરિયાત ઊભી થઈ છે. લાકડાં નહીં મળવાથી મૃતદેહોને બળવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે લાકડાંની તંગી ટાળવા માટે અનેક દાતાઓ સામે આવી રહ્યા છે.