સુરત: જે માલિકના ત્યાં એક લાખ રૂપિયા પગાર મળતો હતો તેને જ કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર કર્મચારીની સુરત ઇકો સેલે ધરપકડ કરી હતી. કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનું ભરોસો આપી પોતાના સાગીરતો સાથે આઠ ખોટી પેઢી ઉભી કરી 15.64 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભેજાબાજની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
કાર્યવાહી: ઉધનાનાં કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનું અને પોતે સંચાલન કરી નફો રળી આપવાનો ભરોસો આપી મહિને એક લાખનો પગાર મેળવવાની સાથે સાગરિતો સાથે મળી આઠ ખોટી પેઢી ઉભી કરી 15.64 કરોડનો ચૂનો લગાવવાના ચકચારી પ્રકરણમાં મોટી કાર્યવાહી સામે આવી છે. ઇકો સેલ દ્વારા ઇકો સેલે મુખ્ય સૂત્રધાર ઉમેશ ભાટીયા સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરી ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા.
ધંધો સેટ કરી આપવાનો ભરોષો આપીને છેતરપિંડી:ડુમસ રોડ પર ગવિયર વિલેજમાં રહેતા અને કેમિકલનો વેપાર કરતાં 44 વર્ષીય ભરત બ્રિજલાલ ભાટિયાને 2015માં તેમનો મિત્ર ઉમેશ ભાટીયા મળ્યો હતો. તેને આ વેપારીને કાપડનો ધંધો કરવાની સલાહ આપી હતી પોતે પગાર તરીકે રહી તેનું સંચાલન પણ કરશે તેમ જણાવતા આ વેપારીએ તેને 1.10 લાખના ઉચા પગાર સાથે નોકરી પર રાખી ઉધના ઉઘોગ નગર ખાતે વેપફેબ નામથી કાપડની પેઢી શરુ કરી આપી હતી. તેમને ખબર નહોતી કે જેમને તેઓ નોકરી પર રાખી ભરોસો કર્યો છે તે જ તેમને ચૂનો લગાવશે.