સુરતઃઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને તેમાં પણ જે બાળક પોતાના માતાપિતા ગુમાવી દે તેની મનોસ્થિતિ કેવી હશે. તેમ જ તેનું જીવન કેવું હશે. તેની કલ્પના માત્રથી હાથના રૂંવાડા ઊભા થઈ જતા હોય છે. ત્યારે આવી જ પરિસ્થિતિનો સામનો કરી બાળકોની મસીહા બની રહી છે સુરતની માયા સકટ. જ્યારે બાળકો તેમને માયા દીદી કહીને સંબોધે છે.
આ પણ વાંચોઅકસ્માતમાં પગ ગુમાવ્યો હિંમત નહીં, ખેડાની સાદિકા મીરે અત્યાર સુધી 12 ગોલ્ડ મેડલ કર્યા પોતાના નામે
બાળકો કહે છે NCCવાળી દીદીઃશહેરમાં પાંડેસરા સ્થિત નાગસેન વિસ્તાર સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. ત્યારે અહીં રહેનારા લોકો મજૂરી કરીની જીવનનું ગુજરાન ચલાવે છે. તેવામાં માયા સકટ આર્થિક રીતે પછાત બાળકોને NCCની ટ્રેનિંગ આપી રહી છે, જેથી તેઓ પગભર બની શકે. સ્લમ વિસ્તારના બાળકો માનસિક, શારીરિક અને શૈક્ષણિક રીતે મજબૂત બની શકે એટલે માટે અનાથ દીકરીએ તેમને પોતાના પરિવારના સભ્ય બનાવી લીધાં છે, જેને આ બાળકો NCCવાળી દીદી કહે છે.
બાળકોના ભવિષ્યની ચિંતાઃનાગસેન નગરના સ્લમ વિસ્તારમાં રહેતા લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં સવારે 5:30 વાગ્યે આ વિસ્તારના બાળકો માર્ચ કરીને પરેડ કરતાં જોવા મળે છે. આર્થિક રીતે પછાત આ બાળકો હાલ પોતાની માયા દીદીના કારણે NCCની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ વિસ્તારના આર્થિક રીતે પછાત બાળકો આવનારા દિવસોમાં મજબૂત બને અને અન્ય લોકોની મદદ કરી શકે આ માટે માયાબેન સવારે 5:30 વાગ્યે તેમને એનસીસીની ટ્રેનિંગ આપે છે અને હાડ થીજવતી ઠંડીમાં બાળકો પણ પોતાનું ભવિષ્ય બનાવવા માટે NCCની ટ્રેનિંગ લઈ રહ્યા છે.
12થી 16 વર્ષના 50થી વધુ બાળકોને ટ્રેનિંગઃમાયાબેન આ બાળકો માટે આશાનું કિરણ બનીને સામે આવ્યા છે. જે બાળકોએ ક્યારેય NCC અંગે સાંભળ્યું પણ નહોતું તેઓ હાલ તેની ટ્રેનિંગ લઈ રહ્યા છે. બાળપણમાં માયા પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આર્થિક રીતે પછાત હોવાના કારણે તે સમજી શકે છે કે, શારીરિક અને માનસિક રીતે મજબૂત થવું એ કેટલું જરૂરી છે. મુંબઈની ટ્રસ્ટમાં રહીને તે નાનેથી મોટી થઈ છે અને હાલ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી કરી રહી છે. એટલું જ નહીં નાગસેન નગરના બુદ્ધ વિહારમાં તે 12થી 16 વર્ષના 50થી વધુ બાળકોને ટ્રેનિંગ આપી રહી છે. એટલું જ નહીં, NCC કેમ્પમાં માયાએ ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે અને હાલ પણ કોલેજમાં તે NCC કરી રહી છે.
NCCના કારણે તેમને લાભ થશેઃમાયાબેન સકટે જણાવ્યું હતું કે, NCCના કારણે બાળકોને ઘણો લાભ થશે. આ વિચારથી બાળકોને NCCની ટ્રેનિંગ આપવા માટેની શરૂઆત કરી. શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે તેમનો વિકાસ થશે. આગામી દિવસોમાં જ્યારે તેઓ કૉલેજમાં એડમિશન લેશે અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરશે તો એનસીસીના કારણે તેમને લાભ થશે. તમામ પ્રવૃત્તિઓમાં તેઓને સરળતા રહેશે અને તેઓ કેમ્પમાં મેડલ પણ લઈ શકશે.
ટ્રસ્ટમાં મોટી થઈઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, સવારે 5:30 વાગ્યાના અરસામાં નાગસેન નગરના બુદ્ધ વિહારમાં બાળકોને એનસીસીની ટ્રેનિંગ આપું છું. વર્ષ 2002માં જ્યારે મારા પિતાનું નિધન થયું હતું ત્યારે મેં નિશ્ચય લઈ લીધો હતો કે, આર્થિક રીતે ભલે અમે નબળા છીએ, પરંતુ હું પોતાની માટે કંઈક કરીશ. હું જ્યારે નાની હતી ત્યારે મુંબઈના એક ટ્રસ્ટમાં નાનીથી મોટી થઈને હાલ ટ્રસ્ટમાં હું કેરટેકર તરીકે સેવા આપું છું સાથે હું કૉલેજમાં ભણું પણ છું.
દીદી અમને પરેડ શીખડાવે છેઃમાયાબેન પાસેથી એનસીસીની ટ્રેનિંગ મેળવનાર પવાર દીક્ષાએ જણાવ્યું હતું કે, હું બુદ્ધવિહારમાં આવીને પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણી છું. એનસીસી દીદી અમને પરેડ શીખડાવે છે. જે અમને ખૂબ જ સારું લાગે છે. અમને એટલો ઉત્સાહ છે કે, અમે સવારે 5 વાગ્યે ઊઠીને પરેડ કરવા આવીએ છીએ. અમને અહીં NCC સાથે અન્ય વિષયો પણ ભણાવવામાં આવે છે.