બારડોલી: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સુરતના બારડોલીમાં પાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીના પ્રવેશ દ્વાર સમા સુરતી જકાતનાકા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા, બારડોલી ચક્ર(રેંટિયો), નગરપાલિકા કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા, શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ સર્કલ તેમજ સ્વરાજ આશ્રમ નજીક શહીદ ચોક પર ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આઝાદીના વર્ષો બાદ બારડોલીને બાપુ અને ચરખો મળ્યા
બારડોલીમાં બાપુની 151મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સર્કલ અને પ્રતિમાઓ વધુ આકર્ષક બનાવી શહેરની શોભામાં વધારો કરવામાં આવ્યો છે. આઝાદીના વર્ષો પછી બારડોલીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના થતા ગાંધીપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ ગાંધીજીના ચરખો કે જેને બાપુએ બારડોલી ચક્ર નામ આપ્યું હતું તેની પણ બારડોલીના પ્રવેશ દ્વાર પર સ્થાપના કરવામાં આવી છે જે શહેર માટે શોભાયમાન બની રહેશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ હોય જેના ભાગ રૂપે બારડોલી નગરપાલિકા દ્વારા નગરને સુંદરતા અપાવનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. બારડોલીને ગાંધી પ્રતિમા મળતા ગાંધીપ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો હતો. સાથે જ તેમણે બારડોલી નગરપાલિકાનો આભાર માન્યો હતો. રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર ભાઈ પરમારના વરદ હસ્તે બારડોલીના સુરતી નાકા નજીક ગાંધીરોડના શરૂઆતમાં જ પ્રવેશ દ્વાર નજીક મહાત્મા ગાંધીજી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સાથે જ ગાંધીજીની સ્મૃતિ રૂપ ચરખાનું બારડોલી ચક્ર નામ આપી તેનું પણ અનાવરણ કરાયું હતું. વર્ષ 1930માં બારડોલી આવેલા મહાત્મા ગાંધીએ બારડોલીમાંથી મળેલા રેંટિયાને બારડોલી ચક્ર નામ આપ્યું હતું. જેની પ્રતિકૃતિ બારડોલીના પ્રવેશદ્વાર પર મુકવામાં આવતા સુંદરતામાં વધારો થયો છે.
શાસ્ત્રી રોડ સ્વામિનારાયણ મંદિર નજીક ગાંધીનગર સોસાયટી સામે ત્રણ રસ્તા ઉપર પ્રમુખ સ્વામી સર્કલ નિર્મિત કરવામાં આવ્યુ હતું.BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન થયેલા પૂ. પ્રમુખ સ્વામીના આશીર્વાદ આપતા હસ્ત પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સાથે જ સ્વરાજ આશ્રમ મેદાન નજીક શહિદ સ્મારક ચોક પાર ઇન્ડિયા ગેટ, અમર જવાન પ્રતિકૃતિ અને ધ્વજ સ્તંભનું લોકાર્પણ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા કાર્યાલયની બહાર સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.