- દોઢ કલાક જેટલો સમય બરબાદ કરતાં ઉચ્ચ અધિકારીઓમાં પણ છૂપો રોષ
- આરોગ્ય અધિકારીઓનો પણ સમય બરબાદ કર્યો
- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં 5,000થી વધુ કેસ
સુરત : બારડોલી સર્કિટ હાઉસ ખાતે ‘‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’’ અભિયાનની કામગીરીની સમીક્ષા- માર્ગદર્શન માટે રાજ્ય આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ તંત્રને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પહેલા પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક કરતાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને દોઢ કલાક સુધી બહાર બેસી રહેવાનો વારો આવ્યો હતો. હાલ આરોગ્ય તંત્રને નવરાશનો સમય મળતો નથી, ત્યારે જિલ્લાના તમામ તાલુકાનાં આરોગ્ય અધિકારીઓ અને CHCના અધિક્ષકોને લાંબો સમય બેસાડી રાખતા અધિકારીઓમાં પણ છૂપો રોષ જોવા મળ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન
સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં 5,000થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. વધી રહેલા કેસ છતાં રાજ્ય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ 15 દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સુરત જિલ્લામાં 12 CHC અને 55 PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા 545 ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે.
તંત્રની જગ્યાએ પહેલા પક્ષના હોદ્દેદારો સાથે બેઠક
રાજ્ય આરોગ્ય પ્રધાને બારડોલી ખાતે કોરોનાને લઈને 'મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન' અંતર્ગત સમિક્ષા બેઠક માટે આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ હમેશાની જેમ વાહવાહી લૂટવાના પ્રયાસમાં પ્રધાન કિશોર કાનાણીએ તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરવાની જગ્યાએ પહેલા પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી.