સુરતમાં લૂંટ, ચોરી જેવી ઘટનાઓનો ગ્રાફ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તસ્કર ટોળકી પોલીસ માટે પણ માથાનો દુઃખાવો સમાન સાબિત થઈ રહી છે. અગાઉ જ ડીંડોલી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં એકસાથે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને હજુ સમય વીત્યો નથી, ત્યાં ઉધના વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. ઉધના હરીનગર વિસ્તારમાં આવેલી 5 દુકાનોને તાળા તોડી તસ્કરોએ રોકડ સહિત મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
5 પૈકીની 3 દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ છે. કરીયાણા, ફોટો સ્ટુડિયો, મોબાઈલ શોપ સહિત 5 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જ્યાં 3 દુકાનોમાંથી તસ્કરોને કંઈ હાથ ન લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે બનેલી ચોરીની ઘટના બાદ ઘટનાની જાણકારી ઉધના પોલીસને આપવામાં આવી હતી. જ્યાં ઉધના પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.