સામાન્ય રીતે કોઈ પણ ગામનો વિકાસ સ્કૂલના શિક્ષક અને આચાર્ય પર આધારિત હોય છે. જો કે આવા કર્મનિષ્ઠ શિક્ષકની બદલી થાય ત્યારે સ્વાભાવિક રીતે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતાં હોય છે. આજે આપ જે જોઈ રહ્યા છો તે રોષના દ્રશ્યો છે. બહેડીયા ગામના ગ્રામજનો દ્વારા સ્થાનિક સ્કૂલના આચાર્યની વહીવટી કારણોસર બદલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી, ઢોલ વગાડી, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, સ્થાનિક લોકોનો વહીવટીતંત્ર પર એક જ આક્ષેપ છે કે, વર્ષોથી આવા જવાનો રસ્તો બનાવી શક્યા નથી તેમ જ બાળકોને વહેતા પાણીમાંથી લાવવા લઈ જવા માટે જાનનું જોખમ રહેલું હોવા છતાં આજ દિન સુધી તેના વિકલ્પ અંગે કોઇ પ્રયાસ હાથ ધરાયો નથી. એક તરફ ભણશે ગુજરાત વધશે ગુજરાતની વાતો છે તો બીજી તરફ આઝાદીના 72 વર્ષ બાદ પણ આ ગામમાં જવા માટે પાકો રસ્તો તેમજ સ્લેબ કે પુલની વ્યવસ્થા થઈ શકી નથી.
સાબરકાંઠામાં સ્કુલના આચાર્યની બદલી કરતા ગ્રામજનોએ દર્શાવ્યો વિરોધ ગ્રામજનોની રોજબરોજની સમસ્યાને પગલે સ્થાનિક આચાર્ય દરરોજ બાળકોને સ્કૂલમાં લાવવા તેમજ લઈ જવા માટે પાણીના નાળામાં પરિવારજનો સાથે હાજર રહેતો હતો. જો કે સ્થાનિક ગ્રામજનોની માગણીને વશ થઈ શિક્ષણ તંત્રને જગાડવા માટે એક વીડિયો વાયરલ કર્યો. જેમાં બાળકોને નારુ પાર કરાવવા પડતી મુશ્કેલીનું જીવંત દ્રશ્ય કેદ થયું હતું. જો કે શિક્ષણ વિભાગની સાચી વાત સાચા શબ્દોમાં જાણે કે હજમ ન થઈ હોય તે તાત્કાલિક ધોરણે શિક્ષકની બદલી કરી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ત્યારે આગામી બે દિવસમાં સ્કૂલના આચાર્ય અને તાત્કાલિક ધોરણે પરત લાવવા તેમજ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ ન થાય તો બહેડિયા સહિત આસપાસની બાવીસ સ્કૂલો પણ બંધ કરાવવાની તૈયારી ગ્રામજનોએ કરી લીધી છે. આ મુદ્દે શિક્ષણ તંત્ર કયા અને કેવા પગલા લેશે એ તો સમય બતાવશે, પરંતુ હાલમાં સ્થાનિક ગ્રામ લોકોનો રોષ જોતા પોતાની વાત ઉપર મક્કમ રહેવા કોઈપણ સ્થિતિ જવા તૈયાર છે.
જો કે ગુજરાતમાં આ કદાચ એવો પહેલો કિસ્સો હશે જેમાં પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા સાચી બાબત સાચા શબ્દોમાં રજુ કરવા જતા તેની બદલી કરાઇ દેવાઈ છે. બદલીના પગલે સમગ્ર ગ્રામ રોષે ભરાઈ હોય તેવો પ્રથમ કિસ્સો છે. ત્યારે જોવું એ રહે છે કેં આગામી સમયમાં સ્થાનિક વહીવટી તંત્ર સહિત શિક્ષણ વિભાગ કયા પગલાં ભરે છે જોકે પગલાં ભરવામાં કદાચ સમય પસાર થાય તો આ વિસ્તારની 22 પ્રાથમિક શાળાના બાળકોનું પણ ભાવિ અંધકારમય થઈ શકે તેમ છે.