સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જરાશય યોજના ઉપર તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર ઉપર હુમલો કરાતા સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ સર્જાયો હતો. જોકે પ્રામાણિક તેમજ કર્તવ્યનિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન ઉપર હુમલો થતાં વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમજ અન્યની તપાસ હાથ ધરાઇ છે. ઈ ટીવી ભારતની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં પાયારૂપ ભૂમિકા ભજવી છે જુઓ એક વિશેષ અહેવાલ.
ડેમના પાણીમાં માછીમારી : સાબરકાંઠા બનાસકાંઠા પાટણ તેમજ મહેસાણા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણી સહિત સિંચાઈ માટે ધરોઈ જળાશય યોજના એક માત્ર આધાર સ્તંભ છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વનવાસી વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ ધરોઈ જળાશય યોજના કેટલાય લોકો માટે રોજગારીનું સાધન બની રહી છે. જોકે 2018-19થી મત્સ્ય ઉદ્યોગને વેગ આપવા માટે કેઝ સિસ્ટમ અમલી બનાવી હતી.
5,000 કેઝ કાગળ : પર જેમાં છેલ્લા ચાર વર્ષમાં ધરોઈ જળાશય યોજનામાં 10,000 થી વધારે કેઝ (માછલીના વિકાસ માટે બનાવાયેલા બ્લોક) બનાવાયા છે જેના ઉપર 60 ટકા લેખે લાખો રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જોકે ધરોઈ જળાશયમાં હાલના તબક્કે માત્ર 1000 જેટલા જ કેઝ ચાલુ હાલતમાં અસ્તિત્વમાં છે તેમજ બાકીના 4000 કેઝ નામ પૂરતા ટકાવી રખાયા છે. જ્યારે બાકીના 5,000 કેઝ કાગળ પર હોવાની વિગતો બહાર આવતા મત્સ્ય ઉદ્યોગ કમિશનર સ્થળ તપાસ માટે આવ્યા હતાં. જોકે કરોડોનું આ કૌભાંડ બહાર ન આવે તે માટે અધિકારીને ડરાવવા હુમલો કરાયો હોવાનું ખુલવા પામ્યું છે. તાત્કાલિક ધોરણે ફરિયાદમાં પાંચ પૈકી ત્રણ આરોપીઓની અટકાયત કરાઇ છે. અન્ય બે આરોપીઓ મામલે પાયારૂપ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો IAS Nitin Sagwan Attack Case : સાબરકાંઠામાં IAS અધિકારી પર હુમલો, ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર
નીતિન સાંગવાન પર હુમલો : ધરોઈ જરાશય યોજનામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગેરરીતિઓ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત થતા ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશનર નીતિન સાગવાન સાત દિવસ અગાઉ ધરોઈ જળાશય યોજના ખાતે તપાસ અર્થે આવ્યા હતાં. જ્યાં તેમના ઉપર ગેરરીતિ આચરનારાઓએ અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે સ્થાનિક કક્ષાએ ગેરરીતિ કરનારાઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. આરોપીઓએ એકમત થઈ ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશનર સહિત ધરોઈ જળાશય યોજનાના જવાબદાર અધિકારીઓ ઉપર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે તેમને ગાંધીનગર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં.
ન્યાયિક તપાસની માંગ : આ મામલે વડાલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત માટેની તજવીજ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય પાંચ જેટલા આરોપીઓની નામજોગ ગુનો નોંધી તેમની સામે તપાસ આદરી છે. જોકે કરોડો રૂપિયાનો ગોરખધંધો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગુડવીલ ધરાવતા ક્લાસ વન કેડરના અધિકારી ઉપર હુમલાના પગલે આરોપીઓને ઝડપી લેવામાં પોલીસ વિભાગ સફળ રહ્યું છે. જોકે મત્સ્ય વિભાગમાં હજુ પાયાની ભૂમિકા બાકી રહી હોય તેવો સ્થાનિકોનો મત છે. આ અંગે મુખ્ય હુમલો કરનાર તરીકે બાબુભાઈ પરમારનું નામ સામે આવ્યું છે. જોકે તેમની સામે તેમની જ મંડળીના પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાવી આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો Sambarkantha News: તલાટી કમ મંત્રી અને સરપંચના પતિ 30 હજારની લાંચ લેતા ઝડપાયા
60 ટકા સુધીની ગ્રાન્ટ : કેઝ સિસ્ટમ થકી મત્સ્ય ઉદ્યોગ વિકસાવવા માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર થકી લાખો રૂપિયાની ગ્રાન્ટ અપાય છે. સાથોસાથ વનવાસી વિસ્તારમાં રોજગારની તકો પણ ઊભી થાય તે અંતર્ગત છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ હોવા છતાં આજદિન સુધી ધરોઈ જળાશયથી લઈ ગુજરાતના અન્ય જળાશયો સુધી કોઈપણ કમિશનરે રૂબરૂ મુલાકાત કરી નથી. જેના પગલે સમગ્ર કૌભાંડ વધુ ફેલાયું હોવાનું ધ્યાને આવ્યું છે. નીતિન સાંગવાનને મત્સ્ય ઉદ્યોગ ના કમિશનર બનાવ્યા બાદ આ મામલે વિવિધ રજૂઆતોના પગલે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. કેઝ માટે મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓ પણ રાજ્ય સરકાર તરફથી 60 ટકા સુધીની ગ્રાન્ટ મળતી હોવાની વાતને સમર્થન આપ્યું છે.
અન્ય અધિકારીઓ પર શંકા : મત્સ્ય વિભાગ દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ આપવાની સાથોસાથ 60 ટકા જેટલી સબસીડી અપાતી હોવા છતાં છેવાડાના વ્યક્તિ સુધી કોઈ પણ પ્રકારની સહાય ન પહોંચતા ગાંધીનગર કક્ષાએથી કમિશનરની સ્થળ તપાસ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આ મામલે કમિશનર સિવાય અન્ય અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે. માછીમારીની કેઝ સીસ્ટમ અને ગ્રાન્ટની ગેરરીતિ ખુલ્લી પડ્યાં છતાં તપાસમાં નઘરોળતા દર્શાવતાં અધિકારીઓને લઇ મામલામાં ભીનું સંકેલવાની ભીતિ દર્શાવાઇ છે.
પાયારૂપ તપાસ થતી નથી :મત્સ્ય વિભાગ કમિશનર દ્વારા ડ્રોન વિઝ્યુઅલ સહિત અલગ અલગ ત્રણ કમિટીઓની રચના કરાયા બાદ આવેલા રિપોર્ટ બાદ સ્થળ તપાસ કરાઈ હોવા છતાં આ મામલે અન્ય અધિકારીઓ દ્વારા પાયારૂપ તપાસ ન થતી હોય તેમ જણાઈ રહ્યું છે. પોલીસ વિભાગે પોતાની ફરજ તાત્કાલિક સ્વરૂપે પૂરી કરી હોવા છતાં હજુ સુધી મત્સ્ય વિભાગ દ્વારા કોઈ પાયારૂપ ભૂમિકા અદા કરવાનું ચૂકાયું હોય તેમ જણાઈ રહ્યું છે.
મોટું કૌભાંડ : એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એકમાત્ર ધરોઈ જરાશયમાં થયો હોવાનું ખુલવા પામ્યુ છે. ત્યારેે ગુજરાતના અન્ય જળાશયોમાં પણ આ મામલે પાયારૂપ તપાસ થાય તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ મત્સ્ય વિભાગમાં બહાર આવે તે નક્કી છે. જોવું એ રહે છે કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલાં પગલાં લેવાય છે તેમ જ કરોડોના કૌભાંડ આચરનારાઓ મામલે તંત્ર કેટલું કઠોર બને છે.