સાબરકાંઠા : રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy Virus in Gujarat) જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે જે અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લમ્બી વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાયરસનો પગપેસારો થતાં બે દિવસમાં 10 થી વધારે કેસ નોંધાયા છે. તેમજ વહીવટી તંત્ર અને સાબરડેરી એક્શન (Sabardari Vaccination Campaign) મોડમાં જોવા મળ્યું છે. દસ હજારથી વધારે ડોઝ વેક્સિનેશન આપી અત્યારથી જ લમ્પી વાયરસને કંટ્રોલ કરવા મથામણ આદરી છે.
વેક્સિનેશન શરૂ -સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં લંમ્પી (Sabarkantha lumpy virus) વાયરસના દસથી વધારે કેસ નોંધાતા જિલ્લા ભરના ખેડૂતો તેમજ પશુપાલકો માટે ભારે પરેશાનીનો માહોલ સર્જાયો છે. જિલ્લામાં ઇડર હિંમતનગર તલોદ તેમજ પોશીના તાલુકાઓમાં માત્ર બે દિવસની અંદર 10 થી વધારે લંમ્પી વાયરસના કેસ જાહેર થતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. જે અંતર્ગત ઈડરના કાનપુર વસાઈ સહિતના ગામડાઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તાત્કાલિક ધોરણે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે આગામી સમયમાં આ મામલે હજુ તંત્ર દ્વારા અન્ય ગામડાઓમાં પણ તમામ પશુઓ માટે વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે.
પશુઓનું રસીકરણ -લમ્પી વાયરસની ગંભીરતા જોઈને લાખો પશુપાલકોના હિતમાં સાબરડેરી દ્વારા સઘન રસીકરણ અભિયાન હાથ ધરીને બે દિવસમાં 5806 પશુઓનું રસીકરણ કર્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આમ તો પશુઓમાં લમ્પી વાયરસની અસર નહીંવત છે, પરંતુ સાબરડેરી દ્વારા અગમચેતીના ભાગરૂપે 13 વેટનરી સેન્ટર પર 150 વેટનરી ડૉક્ટરોની ટીમ સજ્જ રાખી છે. આ અંગે વાત કરતા ડેરીના પશુ ચિકિત્સક પરેશ પટેલ અને જયેશ પટેલે જણાવ્યું હતું કે, જે પશુઓ લમ્પી ગ્રસ્ત થયા છે, તેમણે ડેરીની સાબર સુદર્શન દવાથી સારવાર કરવામાં આવી રહી છે. જેનાથી ઘણા સારા પરિણામ મળી રહ્યા છે. પરંતુ તેની સાથે રહેતા પશુઓને આ રોગની અસર ન થાય તે માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.