સાબર ડેરીમાં દૂધના ભાવમાં કરાયો ઘટાડો
- રૂપિયા 20નો ઘટાડો કરાતા પશુપાલકોમાં ભારે રોષ
- પશુ દાણમાં રૂપિયા 100નો વધારો કારાયો
સાબરકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં અચાનક દૂધના ભાવમાં ઘટાડો કરાતા સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સાબર ડેરીએ મંગળવારે એકસાથે રૂપિયા 20નો ઘટાડો કર્યો છે. જોકે સાબરડેરીના સત્તાધીશોએ કયા કારણસર ભાવમાં ઘટાડો કર્યો તે જાણી શકાયું નથી.
સાબર ડેરી સમગ્ર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે એકમાત્ર આવકનું સાધન છે, સાથે સાથે સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે આવકનું એક માત્ર પર્યાય છે. જોકે રાજ્યમાં સૌથી વધુ દૂધના ભાવ આપનારી ડેરીએ એક મહિના અગાઉ રૂપિયા10નો વધારો કર્યો હતો, પરંતુ મંગળવારે એકસાથે રૂપિયા 20નો ઘટાડો કરી દેતાં પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મહત્વની બાબત એ છે કે એક તરફ દૂધના ભાવમાં ઘટાડો કરાયો છે, તો બીજી તરફ પશુ દાણમાં રૂપિયા 100નો વધારો કરી દેવાતા જિલ્લાના પશુપાલકોમાં ભારે નિરાશા વ્યાપી છે. હાલમાં દૂધ તેમજ દૂધના પાવડરની માગ યથાવત્ રીતે જળવાઈ રહી છે, ત્યારે કયા કારણસર દૂધના ભાવ ઘટાડાયા છે, તે જાણી શકાયું નથી. જિલ્લાના સત્તાધીશો પણ આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે.
સાબર ડેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી છે. બોગસ ભરતી કૌભાંડ આ મામલે રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા સ્ટે ઓર્ડર પણ અપાયો હતો. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને સાબર ડેરીના સત્તાધીશો સ્વીકારી ચૂક્યાં છે, ત્યારે આગામી સમયમાં સ્થાનીક પશુપાલકોમાં વિરોધાભાસ થાય તો નવાઇ નહીં.