- કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ વીર શૈલેષ નીનામાં
- માત્ર 3 વર્ષની નોકરીમાં બિહાર રેજીમેન્ટ થકી થયા શહીદ
- માતા પિતાની આંખમાં 22 વર્ષ બાદ પણ યાદ સાથે આંસુ
સાબરકાંઠા: ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં માર્ચ થી જુલાઈ સુધી કારગિલ યુદ્ધ લડાયું હતું જે અંતર્ગત ભારતના 527 થી વધુ વીર જવાનોએ શહાદત વહોરી હતી. તેમજ 1,363 જેટલા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે કારગિલ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી પરંતુ આ જીત પાછળ સમગ્ર દેશના વીર જવાનોએ પ્રચંડ તાકાતનો પરચો આપ્યો હતો. જેમાં 527 જેટલા વીર જવાનો શહીદ થયા હતા. તેમાંથી ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા પણ શહીદ થયા હતા.
બિહાર રેજીમેન્ટમાં મેળવી ટ્રેનિંગ
સાબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા બાળપણથી જ શૌર્ય અને અદમ્ય સાહસ થકી બીલડીયા પ્રાથમિક સ્કૂલ તેમજ ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રેજીમેન્ટની ભરતી બહાર પડતાં તેઓ સિલેક્ટ થયા હતા. ત્યારબાદ બિહારના પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી. તેમજ બિહાર રેજીમેન્ટની ટ્રેનિંગ બાદ 3 વર્ષ વિવિધ જગ્યાએ ફરજ પર મુકાયા હતા.
કારગીલ યુદ્ધમાં તેમની થયું હતું પોસ્ટિંગ
જોકે 1999માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા કારગીલ યુદ્ધમાં તેમની પોસ્ટિંગ થતા તેઓ કારગીલ વોરમાં જોડાયા હતા. જોકે જમ્મુ-કાશ્મીરના જુવાર ટોપ ઉપર 30 જૂન 1999ની રાત્રિના સમયે અચાનક દુશ્મનોએ હુમલો કરતાં શૈલેષ નીનામા વીરતાપૂર્વક લડ્યા હતા. તેમજ દુશ્મનોને આગળ વધતા અટકાવવા માટે જીવ સટોસટની બાજી ખેલી હતી.
કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ
અચાનક થયેલા હુમલાના પગલે શૈલેષ નીનામા ગંભીર રીતે ઘાયલ થયા હતા જોકે ગંભીર થયેલા હોવા છતાં દુશ્મનો સામે જીવનું જોખમ હોવા છતાં લડાઈ યથાવત રાખતા તેઓ શહીદ થયા હતા. જેના પગલે તેમના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ તરીકે તેમનો પાર્થિવ વતન ખાતે લાવવામાં આવતા જિલ્લા સહિત રાજ્યમાં પણ ગૌરવ સાથે શોકનો માહોલ ફેલાયો હતો.