સાબરકાંઠા: ભારત સહિત ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પગલે બટાકાના ખેતી કરનારાઓ માટે ખુશીનો સમય આવ્યો છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતી રાતા પાણીએ રડવા સમાન થઈ છે. સાબરકાંઠાના ઈડર વડાલી તેમજ હિંમતનગર તાલુકાના ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ વિનાની બટાકાની ખેતી નુકસાનની ખેતી બની રહી છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ:ભારત સહિત ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ કરનારા ખેડૂતો માટે હવે ભારે વિમાસણમાં મૂકવાનો સમય આવ્યો છે. હાલના તબક્કે બટાકાની લણણીનો સમય થઈ ચૂક્યો છે તેમજ મોટાભાગના ખેડૂતો બટાકાની મબલક આવક મેળવી રહ્યા છે. જોકે સૌથી વીમાસણનો સમય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિના બટાકાની ખેતી કરનારા ખેડૂતો માટે સર્જાયો છે. એક તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત સાબરકાંઠાના ઈડરના ભાણપુર ગામના દલજીભાઇ પટેલની આગેવાનીમાં શરૂ થયેલું આંદોલનના પગલે પ્રતિ 20 કિલોએ રૂપિયા 40થી 46 સુધીનો વધારો થયો હતો. જોકે ભાવ વધારાથી બટાકાની ખેતી આ વખતે ફાયદાની ખેતી બની રહી છે.
બટાકાની ખેતી નુકસાનની ખેતી: જોકે કોન્ટ્રાક્ટમાં ન જોડાયેલા ખેડૂતો માટે બટાકાની ખેતી નુકસાનની ખેતી બની રહી છે. આ વખતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે છેલ્લા 10 વર્ષથી યથાવત રહેલો ભાવ આ વખતે પણ એટલો જ રહેતા ખેડૂતો માટે ભારે નુકસાનીનો સમય આવ્યો છે. એક તરફ પાછલા દસ વર્ષથી સતત વધતા જતા જંતુનાશક દવા તેમ જ રાસાયણિક ખાતરો સહિત મજૂરી ખર્ચમાં ખૂબ મોટો વધારો થયો છે. જોકે હાલના તબક્કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે હવે ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે સરકાર સહિત વહીવટી તંત્ર પાસે સહયોગની આશા રાખી રહ્યા છે.