સાબરકાંઠામાં છાશવારે ચડોતરાના બનાવ બને છે. આ ચડોતરૂ સમજતા પહેલા ઘટના જાણવી જરુરી છે. બનાવ એવો છે કે, ખેડબ્રહ્માના યુવકે પ્રેમમાં નાસીપાસ થઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનામાં ખસેડયો હતો. મોતનું પ્રાથમિક કારણ ગળે ફાંસો હોવાનું બહાર આવતા પરિવાર મૃતદેહને લઈને ઘરે જતો રહ્યો હતો. ઘરે પરત ફરી અંતિમસંસ્કાર કરવાના બદલે પરિવાર યુવકના શવને યુવતીના ઘરે મુકી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે યુવકના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકના પરિજનોએ FIR નોંધવાની જીદ કરી હતી અને FIR રિપોર્ટ હાથમાં આવ્યા પછી જ મૃતદેહ સ્વીકારવાનું કહ્યું હતું.
પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરીયાદ દાખલ કરી FIR રિપોર્ટ આપ્યો હતો. છતાં યુવકના વડીલોએ લાશ સ્વીકારી નહોતી. યુવતીના ઘરની આસપાસના લોકો મૃતદેહની ગંધથી મુશ્કેલીમાં મુકાયા હતાંં. આખરે પોલીસ મૃતદેહને પુનઃ પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ આવી હતી. જો પરિવાર સામાજીક રીતે મૃતદેહનો નિકાલ નહી કરે તો પોલીસે નાછુટકે અંતિમસંસ્કાર કરવા પડશે. લાશને રઝળતી રાખી ન્યાયની માગ કરવાની વૃતિ ગામડાઓમાં જ નહી શહેરોમાં પણ આકાર લઈ રહી છે. એ વાત અલગ છે કે શહેરોમાં આ હઠાગ્રહ પ્રકારના વિરોધનું કોઈ નામ નથી, પરંતુ ગામડાઓમાં તેને ચડોતરા તરીકે ઓળખવામાં આવે છે. જે સમાજ માટે તો ખતરારૂપ છે જ પરંતુ ચડોતરના કારણે વહીવટીતંત્રનું કામ પણ વધી જાય છે અને અકારણે સમય અને શક્તિનો બગાડ થાય છે. જેથી આ દૂષણ દુર થાય તે જરુરી છે.