સાબરકાંઠા : ગુજરાત સરકાર દ્વારા બે કિલોમીટરથી ઓછા વિસ્તાર માટે કોઈપણ યોજના અંતર્ગત પાણીની પાઈપલાઈન થકી પાણી પહોંચાડવા માટેની સુવિધા અપાતી હોય છે. જોકે પ્રાંતિજના તખતગઢ ગામ દ્વારા સરકારની સુવિધા આપવાની નેમ તેમજ સ્થાનિક ગ્રામજનોના સહયોગ થકી ૧ કરોડથી વધારેની માતબર રકમનો ખર્ચ કરી હાથમતી તેમજ ધરોઇ જળાશય યોજનાનું વહી જતું પાણી ગામમાં લાવવામાં આવ્યું. તેમજ ગામના લોકોએ એક સંપ બનાવી એકર દીઠ ખર્ચ આપી પાણીના મુદ્દે એકરૂપ બન્યા હતા. જેના પગલે છેલ્લા નવ વર્ષથી તખતગઢ ગામમાં પીવાના પાણીની તેમજ સિંચાઈના પાણીની ઊણપ સર્જાતી નથી.
આજે પણ સ્થાનિક ગામમાં ત્રણ માળ સુધી પીવાના પાણીની સુવિધા પહોંચતી થઈ છે. તેમજ સ્થાનિક કક્ષાએ 500 હેક્ટરથી વધારેની જમીન સહિત આસપાસના 20થી વધારે ગામડાઓના ચાર હજાર હેકટર જમીનમાં સિંચાઇનું પ્રશ્ન રહ્યો નથી. ખેડૂતોની આવક બમણી થવા તરફ છે તો બીજી તરફ વીજળીના બિલમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. એક ખેડૂત 20થી 25થી હજાર રૂપિયાનું બિલ ભરવું પડતું હતું. તેની જગ્યાએ આજની તારીખે સમગ્ર વિસ્તારની ચાર હજાર હેક્ટરથી વધારેની જમીન માટે માત્ર એક જ મોટર કામ કરે છે. જેના પગલે ખેડૂતોના બિલ વધતાં અટક્યાં છે.