ડેન્ગ્યુ સામે રક્ષણ પુરૂ પાડવામાં સાબરકાંઠા આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું છે. ડેન્ગ્યુના પગલે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
હિંમતનગરના હરીપુરા કંપામાં આઠથી દસ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાંથી આજે 1 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા હતા. હરીપુરા કંપાના ગૃહસ્થીને ડેન્ગ્યુની અસર થતા સારવાર માટે હિંમતનગર બાદ અમદાવાદ ખાતે ખસેડાયા હતાં, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં.
સાબરકાંઠામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, વધુ 1નું મોત આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છ ગુજરાત'ના નારા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચ થાય છે. તેમજ ડેન્ગ્યુને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લા સમાહર્તા ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ ઠોસ કામગીરી થઇ શકી નથી.
ડેન્ગ્યુના કારણે થઈ રહેલા મોત બાદ હવે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે. જો કે, હજુ પણ સ્થાનિક કક્ષાએ લોકો વહીવટી તંત્ર સામે ડેન્ગ્યુની માહિતી તેમ જ તેને રોકવા માટે પૂરેપૂરા પ્રયાસો હાથ ધરવા આજીજી કરતા નજરે પડે છે.
આ અંગે આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર ક્યારે કામે લાગશે તે તો સમયાંતરે જોવા મળશે. તાત્કાલિક ધોરણે ડેગ્યુના રોગ સામે યુદ્ધના ધોરણે કામગીરી નહીં થાય તો સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ હજુ પણ ડેન્ગ્યુની મહામારી ફેલાઈ શકે તેમ છે.