- સાબરકાંઠાના પોશિનાના દંત્રાલ ગામે હિંસક અથડામણ
- સ્થાનિક સરપંચના અવિશ્વાસ પ્રસ્તાવ મામલે 2 જૂથ વચ્ચે પથ્થરમારો
- 2 વ્યક્તિઓ ઘાયલ પોલીસના 3 રાઉન્ડ ફાયર
સાબરકાંઠાઃ જિલ્લાના પોશીના વિસ્તારના દંત્રાલ ગામે આજે સ્થાનિક સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી જેમાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. તેમજ પોલીસે 3 રાઉન્ડ ફાયર કરી સમગ્ર સ્થિતિને કાબુમાં લીધી હતી.
અવિશ્વાસના પ્રસ્તાવો મામલે બે જૂથ વચ્ચે અથડામણ
સાબરકાંઠાના પોશીના પંથકમાં આજે દંત્રાલ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવો મામલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સામસામે પથ્થરમારો થયો હતો જે અંતર્ગત 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ પોલીસે ત્રણ રાઉન્ડ ફાયર કરી ટીયરગેસના સેલ છોડતા સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો હતો. હિંસક અથડામણને કાબુમાં લેવા માટે પોશીના ખેડબ્રહ્મા સહિતની પોલીસનું પૂર્ણ બંદોબસ્ત કામે લાગતા પરિસ્થિતિ હાલ પૂરતી થાડે પડી હતી. ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવને પગલે સ્થિતિ અચાનક વણસી હતી. તેમજ સામસામે પથ્થરમારો શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોમાં 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી આસપાસના પોલીસ મથકોની પોલીસ બોલાવવામાં આવી હતી અને હાલમાં સમગ્ર ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છવાયો હતો.