હિંમતનગર: ગત કેટલાક સમયથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ બેરોજગારીના દરમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત મોંઘવારી અને ભ્રષ્ટાચારના વધતા બનાવોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય કક્ષાએ બેરોજગારીના મુદ્દે આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
હિંમતનગરમાં બેરોજગારી નોંધણીની શરૂઆત, કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન કરશે - બેરોજગારી નોંધણીની શરૂઆત
મંગળવારે સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં યુવાનોને બેરોજગારી મુદ્દે આંદોલન ઉભું કરવા માટે એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાત કક્ષાએ આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
મિસકોલ નંબર દ્વારા બેરોજગાર રાષ્ટ્રીય રજીસ્ટારની નોંધણી કરી સમગ્ર દેશમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે રોજગારી આપવા માટે એક મુહિમ ચલાવવામાં આવશે. જેના પગલે મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં મિસકોલ નંબર ચેક કરવામાં આવ્યો હતો અને હવે દરેક બેરોજગારને આ નંબર ઉપર મિસકોલ કરાવવામાં આવશે. જેનાથી જે-તે વ્યક્તિ રાષ્ટ્રીય રજીસ્ટારમાં નોંધણી કરાવી શકશે અને આગામી સમયમાં આ તમામ બેરોજગારીના આંકડાઓ સરકાર સામે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે સરકાર સામે રોજગારી આપવા માટે માગ કરવામાં આવશે.
કોંગ્રેસ પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે આંદોલન ઊભું કરી ન્યાય માટે ઉગ્ર આંદોલનની રણનીતિ અપનાવવામાં આવશે.