ઇડર તાલુકા કોંગ્રેસના આજે પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત 5 સદસ્યોએ કેસરિયો ધારણ કરતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. કલમ-370 દૂર થતાની સાથે જ ઇડર તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, ઇડર તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત હોવાથી 5 સદસ્યો ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.
ઈડર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન, કોંગ્રેસના 5 સભ્યોએ કેસરીયો ધારણ કર્યો - ભાજપ
સાબરકાંઠાઃ મોદી સરાકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરતા દેશમાં ઊજવણીનો માહોલ છવાયો છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકા પંચાયત પ્રમુખ સહિત કોંગ્રેસના 5 સભ્યો ભાજપમાં જોડાતા સત્તામાં પરિવર્તન આવ્યું છે.
આજે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાના હસ્તે કોંગ્રેસના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત તમામ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તાલુકા પંચાયતની બીજી ટર્મમાં તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર પટેલે કલમ 370 દૂર થતાં જ કોંગ્રેસ છોડીને ભાજપની નીતિને સ્વીકારી હોવાની વાત કરી હતી. તેમજ સ્થાનિક ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડિયાએ ઇડર તાલુકા પંચાયતમાં ભાજપની જીતને જીતુ વાઘાણીને જન્મ દિવસની ભેટ ગણાવી હતી. આ 5 સભ્યોએ છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસમાં સદસ્યોની અવગણના કરવામાં આવતી હોવાથી ભાજપમાં જોડાયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
જો કે, કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપમાં પણ આજ પદ ઉપર રહેશે. તેથી આગામી સમયમાં ભાજપમાં પણ ભડકો થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે.