રાજકોટ: સરધારમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. સરધારના આનંદનગર કવાર્ટરમાં રહેતાં યુવાન અને પડોશમાં રહેતી યુવતીએ પોતે જીવતેજીવ એક નહીં થઈ શકે તેવી ભિતિથી બુધવાર વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ સાજડીયાળી રોડ પર ફોજી ફાર્મની નજીક ઝાડમાં એક જ દોરડા વડે લટકી જઇ જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ ગામલોકોને થતાં તેમણે 108ને અને પોલીસને જાણ કરતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
સરધારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - આત્મહત્યા
રાજકોટ જિલ્લાના સરધારમાં પ્રેમી પંખીડાએ સમાજ એક નહીં થવા દે તેવા ડરથી એક જ દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આત્મહત્યા કરનારા યુવક યુવતીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આપઘાત કરનારો બાબુ ત્રણ ભાઇમાં વચેટ હતો અને પિતા-ભાઈઓ સાથે શાકભાજીનો ધંધો કરતો હતો. તેમની સગાઈ એક માસ પહેલા જ અન્ય યુવતી સાથે થઈ હતી. જ્યારે તેની સાથે આપઘાત કરનારી પુરી ત્રણ બહેનમાં સૌથી મોટી હતી. તેના પિતા મજૂરી કરી ઘરનુ ગુજરાન ચલાવે છે.
બાબુ અને પુરી વચ્ચે કેટલાક સમયથી પ્રેમ હતો. પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી સમાજ તેમને એક નહી થવા દે તેવા ડરથી વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ આનંદનગર કવાર્ટરની પાછળના ભાગે ફોજી ફાર્મ નજીક વિશાળ ઝાડ પર એક જ દોરડાથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.