રાજકોટઃ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયાએ રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને શુક્રવારે ગુજરાત સ્થાપના દિન નિમિતે રાજકોટ શહેરની જનતાની માંગણીને પહોંચાડતા જણાવ્યું છે કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ભારત દેશના નાગરિકો છેલ્લા 1 માસ કરતા વધારે સમયથી ઘરમાં લોકડાઉનમાં છે.
રાજકોટ મનપા દ્વારા વસુલાતા વેરામાં 50 ટકાની રાહત આપવા વિપક્ષની CMને રજૂઆત - કોરોના વાઇરસ
સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા વસુલાતા વેરામાં 50 ટકાની રાહત આપવા વિપક્ષ દ્વારા CM રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોના કામ-ધંધા-રોજગારી બંધ હોવાના કારણે દેશની આર્થિક સ્થિતિ ડહોળાઈ છે. જેને લઈને રાજકોટના નાગરિકો જેમા મધ્યમ અને શ્રમિક વર્ગનાની આર્થિક સ્થિતિ ખુબ જ દયનીય બનતી જતી હોય તેવું દેખાય છે. શહેરની જનતા કોરોના મહામારીનો સામનો કરવામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરતી હોય અને લોકોના કામ-ધંધા-રોજગાર બંધ હોય તેમજ લોકોને તમામ પ્રકારની આવક બંધ થઇ છે.
જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવતા તમામ પ્રકારના વેરા જેવા કે મિલકત વેરો, કંજરવંસી વેરો, ફાયર વેરો, સર્વિસ ચાર્જ, ડ્રેનેજ વેરો, એજ્યુકેશન સેસ, દીવાબત્તી વેરો, સફાઈ વેરો, પાણી વેરા વગેરેમાં 50 ટકા રાહત આપવી જોઈએ તેવી લોકોની લાગણીને ધ્યાને રાખી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ તમામ પ્રકારના વેરામાં 50 ટકા રાહત આપવા અંગેની વશરામ સાગઠિયાએ માંગણી કરી છે.