રાજ્યની પ્રથમ સરકારી સ્કિન બેન્ક રાજકોટ :સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકારી સ્કિન બેંક કાર્યરત છે. જેના કારણે અનેક દર્દીઓને નિઃશુલ્ક અને સચોટ સારવારનો લાભ મળ્યો છે. નવ મહિનાથી અગાઉ શરૂ થયેલી આ સ્કિન બેંકમાંથી અત્યાર સુધીમાં 100 કરતા વધુ દર્દીઓને સ્કિન આપવામાં આવી છે. સિવિલ તંત્ર દ્વારા જાહેર જનતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મેળવવા અને સ્કિનનું દાન કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યની પ્રથમ સ્કિન બેંક :આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા નવ મહિનાથી સ્કિન બેંક કાર્યરત છે. તેમજ અત્યાર સુધીમાં અંદાજે 25 જેટલા દાતાઓ દ્વારા સ્કિનનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે 100 જેટલા દર્દીઓને સ્કિન આપવામાં આવી છે. મુખ્યત્વે દાઝેલા અને અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને આ સ્કિન ખૂબ જ ઉપયોગી થાય છે.
નિઃશુલ્ક સ્કિન દાન : ડો. આર.એસ. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની પ્રથમ સરકારી સ્કિન બેંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે આ સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાંથી પણ દર્દીઓની સ્કિન દાનમાં આવી રહી છે. તેમજ જો કોઈ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય તો તેને નિઃશુલ્ક સ્કીન આપી તેની સારવાર કરવામાં આવે છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખૂબ જ ઓછા દરે આ સ્કિન મળતી હોય છે.
દર્દીઓને નિઃશુલ્ક અને સચોટ સારવારનો લાભ સ્કિન દાનની પ્રક્રિયા : મુખ્યત્વે સ્કિનની લંબાઈ અને પહોળાઈ મુજબ તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જ્યારે કોઈ દાતાની સ્કિન દાનમાં લેવાની હોય ત્યારે વિવિધ પ્રોસેસિંગ કરીને તેના શરીર પરથી સ્કિન કાઢવામાં આવે છે. બાદમાં આ સ્કિનને બેક્ટેરિયા, ફંગસ અને વાઈરસ ફ્રી કરીને તેને સ્કિન બેંકમાં રાખવામાં આવે છે. બાદમાં જરૂર મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ સ્કિન દાન કરવા ઈચ્છતી હોય તો હેલ્પલાઇન નંબર અને અમારી ટીમ 24 કલાક તૈયાર હોય છે. કોઈપણ સ્થળે જઈને સ્કિન દાન લેવામાં આવે છે.
સ્કિન કેટલો સમય સાચવી શકાય ?સામાન્ય રીતે જ્યારે પણ કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યારે વિવિધ ઓર્ગન સાથે સ્કિનનું પણ દાન થઈ શકે છે. આ અંગે દર્દીના સ્વજનોને સમજાવવામાં આવે છે. ત્યારબાદ મૃતકના પરિવારની સંમતિથી સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવે છે. સ્કિન બેંકની ટીમ ગમે તે સ્થળે ઓછામાં ઓછા સમયમાં પહોંચીને સ્કિનને કલેક્ટ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ આઠ કલાક સુધીમાં તેની સ્કિનનું દાન લઈ શકાય છે. આ સ્કિન બેંકમાં 5 વર્ષ સુધી યથાવત રહે છે. જે દર્દીને સ્કિન આપવાની હોય તે દર્દીના નોર્મલ રિપોર્ટ બાદ તેને સ્કિન લગાવવાની સામાન્ય પ્રોસેસ કરવામાં આવે છે.
- રાજકોટમાં સરકારી કચેરીઓનો અંદાજીત 100 કરોડથી વધુનો ટેક્સ બાકી
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200 બેડ વ્યવસ્થા ઊભી કરાઇ,ચીનમાં નવા વાયરસના પગલે આરોગ્ય તંત્ર સચેત