ગોંડલમાં રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું - ચેતેશ્વર પૂજારા
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલા કાશી વિશ્વનાથ રોડ પરના શ્રીરામજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય રમેશભાઈ ઓઝા કથા શ્રવણ કરાવી રહ્યાં છે. આ કથાનું રસપાન કરવા માટે દેશવિદેશના ભાવિકો ઉમટી પડ્યા છે. કથાના પાંચમાં દિવસે રાજ્યના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત ઠાકોર વિકાસ નીગમના ભૂપતભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે કથાના મુખ્ય યજમાન એવા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિતના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આગામી 11 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો મંદિરના ગાદીપતિ પૂજ્ય શ્રી હરિચરણદાસજીની અધ્યક્ષતામાં યોજાયેલા કથામાં ઉપસ્થિત રહેવાના છે. કથા શ્રવણ દરમિયાન અનેક સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોની સાથે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય ભાઈજીની કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમની તડામાર તૈયારી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે.