ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી-લસણની હરાજી શરૂ રાજકોટ: ડુંગળીના ભાવ સાવ તળીયે બેસી ગયા છે, ત્યારે ભાવ નહીં મળતા ખેડૂતોના વિરોધની વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની અઢળક આવક થવા પામી છે. ગોંડલ માર્કેટ યાર્ડ સત્તાધીશોએ લસણની આવક શરૂ કરતા માર્કેટ યાર્ડની બંને બાજુ નેશનલ હાઈવે પર લસણ ભરેલા વાહનોની 3 થી4 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી, આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની રેકોર્ડબ્રેક 70 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી-લસણની હરાજી શરૂ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી: ગોંડલ યાર્ડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં આવી છે. ગોંડલ યાર્ડની બહાર કોઈ અજુગતી ઘટના ન બને તે માટે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોંડલ યાર્ડમાં ખેડૂતોના વિરોધની આશંકા વચ્ચે ડુંગળીની હરાજી ફરીથી ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ગત 5 ડિસેમ્બર રાત્રીના ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. નિકાસ બંધી હોવા છતાં 7 ડિસેમ્બર સવારે ડુંગળીની નિકાસ કરવામાં કરી હતી.
ડુંગળી પકવતા ખેડૂતોમાં હજી પણ ખેદ: ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત ગત બે દિવસ ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. યાર્ડમાં ગઈકાલે બીજા દિવસે પણ ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ના મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસે વિરોધ કરનાર ખેડૂતોની અટકાયત કરી હતી.
લસણના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ: માર્કેટિંગ યાર્ડમાં લસણની મબલક આવક થતાં ગોંડલ માર્કેટ યાર્ડ લસણની ઉભરાઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં આજે સવારથી લસણની હરાજીનો પ્રારંભ કરવામાં આવતા હરાજીમાં લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી લઈને 3400 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની નવી સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે ત્યારે આ વર્ષે છેલ્લા ઘણા સમયથી લસણમાં નુકશાની કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.
- ધરાર ધર્માદો કરવા મજબૂર ધરતીપુત્ર, ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
- ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત