પૂજય જલારામ બાપાના જન્મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં પૂજય બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
વીરપુર જલારામ જયંતી નિમીતે સુરતના પદયાત્રીકોનો સંઘ વીરપુર ખાતે પહોંચ્યો - સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર
રાજકોટઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આવતીકાલના રોજ સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકોનો સંઘ સુરતથી પગપાળા વિરપુર ખાતે પહોંચ્યો હતો.
બાપાની જન્મ જયંતી મનાવવા દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે પૂજય બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જીલ્લાના ગભેણી ગામનો 100 લોકોનો સંઘ કે જે છેલ્લા દસ વર્ષથી પગપાળા વીરપુર આવે છે. તે સંઘ 13 દિવસ પહેલા પૂજ્ય બાપાની જન્મ જયંતી નિમીતે વીરપુર આવવા માટે પગપાળા નીકળ્યો હતો. જે ૧૩માં દિવસે વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી ડીજેના સાથે બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતાં.
આ સંઘ સાથે વિદેશમાં રહેતું એક ગજ્જર કુટુંબ પણ જોડાયું હતું. તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગભેણી ગામથી પગપાળા વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવ્યું હતું. સુરતના ગભેણીથી વીરપુર સુધીની પદયાત્રા કરી વીરપુર પહોંચેલા યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મજયંતિ ઉજવણીમાં જોડાશે.