રાજકોટ : ઉપલેટા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેતરમાં પડેલી જણસીઓ તેમજ ઊભા મોલમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે.
મોઢે આવેલો કોળિયો છીનવાયો :રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો તૈયાર કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના મોલની અંદર વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ઘઉં, ધાણા, ચણા, જીરું તેમજ તૈયાર થયેલો મોલ કે જે ખેતરોની અંદર પાથરા તેમજ ઉભા રાખવામાં આવ્યા હોય છે. તેના પર કમોસમી વરસાદ પડતા પલળી ગયો હોવાથી નુકસાન થયું છે.
ઢોલ, નગારા સાથે ખેડૂતો ખેતરમાં : મોટી પાનેલીમાં ગત દિવસોની અંદર પડેલા કમોસમી ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોની અંદર તૈયાર મોલને વ્યાપક નુકસાન થયું છે. આ નુકશાની થતાં કુદરતને પ્રાર્થના કરવા માટે મોટી પાનેલી ગામના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર એકત્રિત થયા હતા. ત્યાં ખેડૂતોએ ઢોલ, નગારા અને મંજીરાના તાલે રામધૂન બોલાવી ભગવાન વરૂણદેવને પ્રાર્થના કરી હતી. ચોમાસા દરમિયાન તેમને થતી નુકસાની સહન નથી થતી, ત્યારે રવિ પાકના આ મોલમાં કમોસમી વરસાદથી તેમને અત્યંત નુકસાન થયેલું છે. જેથી આ ખેડૂતોએ પોતાના ખેતરમાં રામધૂન બોલાવી તેમના દ્વારા વરૂણદેવને રીઝવવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે.
ખેડૂતોની વ્યથા : આ અંગે ખેડૂતોને થયેલી નુકશાની અંગે ETV ભારત દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે. નુકશાની અંગે પોતાની વ્યથા ઠાલવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ પંથક આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉં ઢળી પડ્યા છે. જીરૂ, ધાણા અને ચણાનું વાવેતર કરેલા ખેડૂતોને મોલમાં નુકશાની થઈ છે. જ્યારે તેમને આ પાકને લણવાનો સામે આવ્યો તે જ સમયે વરસાદ પડતા તૈયાર મોલ પલડી ગયો અને નુકસાની હોવાનું જણાવે છે.