રાજકોટ પોલીસે અરજીઓના નિવારણ માટે યોજ્યો 'લોક દરબાર' - રાજકોટ પોલીસે લોક દરબાર યોજ્યો
રાજકોટઃ શહેરમાં પોલીસ ઝોન-1 હેઠળ આવતા પોલીસ મથકના વિસ્તારની અરજીઓ નિવારણ માટે તેમજ અરજીકર્તાઓને તાત્કાલિક ન્યાય મળે તે માટે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના B-ડિવિઝન પોલીસ મથક ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 70 અરજદારો હાજર રહ્યા હતા. જેમને પોલીસ સ્થળ પર જ સાંભળવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા. તેમજ 70માંથી 20 જેટલી અરજીઓમાં સામેના પક્ષના લોકોને પણ હાજર રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે બે જેટલી અરજીઓમાં ગુનો બનતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા લોક દરબાર શહેરીજનોનો સમય વેડફાય નહીં અને તેમને અધિકારીઓને રજૂઆત કરવા ના આવવું પડે, તેમની અરજીનો તાત્કાલિક નિવારણ આવે તે હેતુથી યોજવામાં આવ્યો હતો. જેને લોકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો. જેથી રાજકોટમાં આ પ્રકારના કાર્યક્રમ ભવિષ્યમાં પણ પોલીસ યોજશે તેવી આશા વ્યક્ત કરી હતી.