રાજકોટ કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠક રાજકોટ : ચોમાસુ આવે ત્યારે ભારે વરસાદની સ્થિતિમાં વર્ષો જૂની બિલ્ડિંગ્ઝમાં અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેમાં સૌથી મોટો ખતરો છે તે ધરાશાયી થવાનો. આ શ્રેણીમાંથી સરકારી ઇમારતો પણ બાકાત નથી. રાજકોટની તાલુકા પંચાયત કચેરીએ પોતાના કામકાજને લઇને આવતાં લોકો અંદર જતાં થોડો ભય જરુર અનુભવે છે. કારણ એ જ, બિલ્ડિંગ પડી જવાનો ખતરો. જામનગરમાં હાઉસિંગ ક્વાર્ટર પડવાની ઘટના બાદ સરકાર દરેક જિલ્લાની સરકારી ઇમારતો કેવી હાલતમાં છે તેની સમીક્ષામાં લાગી છે.
તાલુકા પંચાયતની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં: રાજકોટની મધ્યમાં આવેલ તાલુકા પંચાયતની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં જ જામનગર ખાતે એક હાઉસિંગ ક્વાટરનું બિલ્ડીંગ પડી જવાના કારણે ત્રણ લોકોમાં મોત થયા હતા. એવામાં રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યા બાદ 24 જેટલા આવાસ યોજનાના ક્વાટર ખાલી કરવાની નોટિસ આપી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ એક બેઠક મળી હતી.
રાજકોટમાં 981 આવાસો જર્જરિત : જિલ્લા કલેકટરના વડપણમાં મળેલી બેઠકમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ જિલ્લા કલેકટરે બેઠક યોજી અને હાઉસિંગ બોર્ડના કેટલા આવાસો જર્જરિત છે તેમજ તેમાં શું જરૂરી કાર્યવાહી થઈ શકે જેવા મુદ્દે ચર્ચા કરી હતી. રાજકોટમાં 981 આવાસો જર્જરિત હોવાનું જાણવા મળે છે.
આજે ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ સાથે અને એક મિટિંગ કરી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં જે જે વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોની આવેલી છે. આ કોલોનીમાં શું શું પગલાં લેવામાં આવ્યા છે તે બાબતમાં સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 981 જેટલા આવાસ યોજનાઓના હાઉસિંગ ક્વાટરો હાલ જર્જરિત હાલતમાં છે. હાલ જે જે લોકોને નોટિસો આપવામાં એવી છે તે લોકો પોતાની રીતે જ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે એમને જરૂર જણાશે તો આ દિશામાં પ્રયાસો કરીશું...પ્રભાવ જોશી( રાજકોટ જિલ્લા કલેક્ટર)
સરકારી કચેરીઓ જ જર્જરિત હાલતમાં:રાજકોટની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કચેરીઓ હાલ ખૂબ જર્જરિત હાલતમાં છે તે નરી નજરે જોવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જે સરકારી કચેરીઓ છે તેનો રિડેવલોપમેન્ટ પ્લાન મંજૂરીમાં છે. તેમ છતાં જો અમને એમ જણાશે કે આ કચેરીઓ બિનવપરાશી કરવા જેવી છે તો ચોમાસા દરમિયાન આ કચેરીઓમાં કોઈ બેસે નહીં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
30 વર્ષ કરતા પણ વધુ જૂની ઇમારત : ઉલ્લેખનીય છે કે રાજકોટ તાલુકા પંચાયતની કચેરીનું બાંધકામ 30 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. તેમજ અહીંયા દરરોજ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે. ત્યારે આ મામલે હજુ સુધી સાવચેતીરુપે કોઈ પગલાં નહીં લેવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ ગયા છે.
- Ahmedabad News: મણિનગર સ્લમ ક્વોટર્સની ગેલેરીનો ભાગ તૂટ્યો, 30 લોકોનું રેસ્ક્યૂ, સૈજપુરમાં ધાબાની છત પડી
- Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
- Jamnagar Building Collapses: આવાસની ઈમારત ધરાશાયી થતા ત્રણનાં મોત, સાતને ઈજા