રાજકોટ : શ્રાવણ માસ નિમિત્તે મુખ્યત્વે ફરસાણ અને મીઠાઈનું વેચાણ વધારે પ્રમાણમાં થતું હોય છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના ભીલવાસમાં આવેલા નામાંકિત ભારત બેકરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ઉમેદવાર દરમિયાન બેકરીમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. જ્યારે બેકરીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો છે. આ સાથે જ ફૂડ વિભાગને અહીંથી વાસી બ્રેડ સહિતનો અખાદ્ય ખોરાક મળી આવ્યો છે. જેને તાત્કાલિક નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ભારત બેકરીને આ મામલે નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભારત બેકરીને પહેલાં પણ નોટિસ ફટકારી હતી : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા ભારત બેકરી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ફૂડ વિભાગ દ્વારા અગાઉ ભારત બેકરીને હાઈજેનિક કન્ડિશન એટલે કે ગંદકી બાબતે વારંવાર નોટિસ પાઠવી હતી પરંતુ અહીંયા આજે પણ ગંદકી જોવા મળી રહી છે.
આજે ભારત બેકરીના ત્રણ માળમાં અમે ચેકિંગ કર્યું છે. આ ચેકિંગ દરમિયાન બ્રેડમાં ઉપયોગમાં લેવાતો સફેદ પાવડર અને કેમિકલ મળી આવ્યું છે. આ કેમિકલ કયા પ્રકારનું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. જ્યારે અહીંથી એક્સપાયરી થયેલો વિવિધ કલર સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અહીંયા કેક અને બ્રેડ છે તે પણ ખૂબ જ ગંદકી વચ્ચે આ તૈયાર થઈ રહી છે...ડો. જયેશ વાંકાણી(આરોગ્ય અધિકારી,રાજકોટ મહાનગરપાલિકા)
ઘઉંના લોટની બ્રેડના નામે મેંદાના લોટની બ્રેડ :આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત બેકરી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ બ્રાઉન બ્રેડ બનાવીને વેચી રહ્યા છે પરંતુ અમને અહીંયા ઘઉંનો કોઈપણ પ્રકારનો જથ્થો કે લોટ મળી આવ્યો નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ લોકો ઘઉંના લોટની બ્રેડના નામે મેંદાના લોટની બ્રેડ લોકોને પધરાવી રહ્યા છે. અહીંથી મળી આવેલા બ્રેડ તેમજ કેકના પેકિંગ ઉપર એક્સપાયર ડેટ પણ લખવામાં આવી નથી. ત્યારે આના પરથી લાગી રહ્યું છે કે આ એકને એક બ્રેડ અને કેકનો જથ્થો વારંવાર પેકિંગ કરીને બજારમાં વહેંચી રહ્યા છે.
મોટી માત્રામાં ઈંડાનો જથ્થો મળતાં ચકચાર :ફૂડ વિભાગ દ્વારા અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી મોટી માત્રામાં ઈંડાનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે આ ઈંડાનો ઉપયોગ કેક અને બ્રેડ બનાવવામાં થતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અહીંયા કેક અને બ્રેડનું જે પેકિંગ કરવામાં આવે છે જેમાં પણ દર્શાવવામાં નથી આવતું કે આ બ્રેડ વેજ છે કે ઈંડાયુક્ત છે. જેને લઈને લોકોની આસ્થા સાથે પણ ચેડા થતાં હોવાનું સામે આવ્યું છે.
- Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
- Porbandar News : પોરબંદરમાંં ફૂડ વિભાગના દરોડા, અનેક વેપારીઓને ફટકાર્યો દંડ
- Rajkot news: રાજકોટમાં નકલી પનીર મામલે ફૂડ વિભાગના સતત ત્રીજા દિવસે દરોડા