ભાદર-2 ડેમના પાટિયામાં લીકેજ રાજકોટ :ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર 2 ડેમમાં લીકેજ ધ્યાને આવ્યું છે. જેમાં પિયત તેમજ સિંચાઈ માટેનો જળનો જથ્થો એકત્રિત થાય છે. આ જથ્થાથી ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સહિતના ભાદરકાંઠાના ગામો અને કેનાલોમાંથી પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત પીવા માટેના પાણીનો જળસંગ્રહ પણ આ ડેમની મદદથી કરવામાં આવે છે. પરંતુ આ ડેમની અંદર વર્તમાન સમયમાં સાત જેટલા દરવાજાઓની અંદર લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ડેમમાં ક્ષતિ : રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ગામ પાસેના ભાદર 2 ડેમમાંથી ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સહિતના અનેક ગામોને પાણી પૂરું કરવામાં આવે છે. તેમજ નદી કાંઠાના ખેડૂતોને નદીમાંથી તેમજ આ ડેમની કેનાલમાંથી સિંચાઈ માટે અને પિયત માટેનો જળનો જથ્થો આપવામાં આવે છે. પરંતુ આ સંગ્રહ કરેલા જળના જથ્થાની પરિસ્થિતિ અને તેમની બચાવ કરવાની કામગીરીમાં ક્ષતિઓ સામે આવી છે. ડેમના દરવાજાની અંદર લીકેજ થવાથી બેફામ લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેથી લોકોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરતો હોવાની પણ રાવ ઉઠી છે.
ખેડૂતોની માંગ : ધોરાજીના ખેડૂત આગેવાન એડવોકેટ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે, હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. જેમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ બાદ સિંચાઈ માટેના જળસંગ્રહના ભાદર 2 ડેમમાં જળનો જથ્થો પૂરતો છે. પરંતુ લીકેજ થવાના કારણે ખેડૂતોનું અને લોકોનું અમૂલ્ય જળનો વેડફાટ થઈ રહ્યો છે. જે બાબતે તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ. ભવિષ્યના ઉપયોગ માટે સંગ્રહ કરેલા જળના જથ્થાને વેડફાટ થતો અટકાવવો જોઈએ. તાત્કાલિક અસરથી લીકેજ બંધ કરી સમારકામની કામગીરી કરવું જોઈએ તેવી માંગ કરી છે.
ભાદર 2 ડેમમાં થઈ રહેલા પાણીના વેડફાટ અને લીકેજને લઈને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ રજૂઆતોને તંત્રએ હજુ સુધી ધ્યાનમાં લીધી નથી. સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. તેથી તંત્ર દ્વારા આ લીકેજને વહેલી તકે અટકાવવામાં આવે તેવી માંગ છે. -- લલિત વસોયા (માજી ધારાસભ્ય, ધોરાજી)
ધારાસભ્યની રજૂઆત :ધોરાજીનો ભાદર 2 ડેમ હાલ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. પણ હાલ તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારી લઈને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અહિયાં ભાદર 2 ડેમના અંદાજે છ થી સાત દરવાજામાં નાના મોટી ખામી છે. જેના કારણે દરવાજા લીકેજ જોવા મળે છે. આ દરવાજાને લીકેજને લીધે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ધોરાજીથી પોરબંદર સુધીના અંદાજિત 68 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે, તે બરબાદ થઈ રહ્યું છે.
તંત્રની બેદરકારી :હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે આ પાણીથી ખેડૂતોને પાકમાં ફાયદો થાય તેમ છે. પરંતુ હાલ ડેમના દરવાજા લીકેજ હોવાથી ચિંતાજનક બાબત સામે આવી છે. આ ભાદર 2 ડેમના દરવાજા ઘણા સમયથી લીકેજ છે. ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીત વસોયાએ પણ આ બાબતે તંત્ર તથા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના પરિણામે અમૂલ્ય જળનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે, અમૂલ્ય જળનો ક્યાં સુધી તંત્ર અને સરકાર વેડફાટ થવા દે છે.
- Rajkot Bhadar-2 Dam : ભાદર-2 ડેમના પાંચ દરવાજા ખોલ્યા, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
- Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ