રાજકોટ: શહેરમાં છેલ્લા 20 દિવસમાં લૂ લાગવાના કેસ 700થી વધુ કેસ નોંધાયા છે. ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઇ રહી છે. ગરમીના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. ગરમી વધારે હોવાથી ડોક્ટર લોકોને વધુમાં વધુ પાણી પીવાનું કહી રહ્યા છે. આ વિગત 108 ઇમરજન્સી સર્વિસના રીપોર્ટમાંથી મળી છે.
ગરમીની અસર:છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે હવે લોકો લૂ નો શિકાર બની ગયા છે. લૂ લાગવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. રાજકોટમાં ગરમી લાગવાના અને હિટ સ્ટ્રોકના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો 700થી વધુ કેસ લૂ લાગવાના કેસના 108 ઈમરજન્સી સર્વિસમાં નોંધાયા છે. જ્યારે સતત 24 કલાક 108ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. એવામાં શહેરીજનો હાલ આકરા તાપના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
"રાજ્યમાં તાપમાનનો પારો વધ્યો છે. એવામાં તારીખ 1 મેથી તારીખ 20 મે સુધીમાં લૂ લાગવાના અને હિટ સ્ટ્રોકના 737 જેટલા કેસ 108 માં નોંધાયા છે. મુખ્યત્વે સ્ટ્રોકના કેસમાં, માથામાં દુખાવો થવો, વધારે પડતો તાવ આવવો, ઉલટી થવી, જ્યારે બેચેની તેમજ શરીરમાં કળતર સહિતની વસ્તુઓ જોવા મળતી હોય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 42 જેટલી 108ની એમ્બ્યુલન્સ છે. તે સતત 24 કલાક કાર્યરત જોવા મળી રહી છે"-- અભિષેક ઠાકર (108 ટીમના મેનેજર)
દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ:અભિષેક ઠાકરે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે" જ્યારે પણ આ પ્રકારના કેસ 108ની ટીમ પાસે આવે ત્યારે દર્દીઓને ગ્લુકોન ડી પીવડાવવામાં આવે છે. આ સાથે જ તેમને માથામાં ઠંડા પોતા મુકવા સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારબાદ એમબીબીએસ ડોક્ટરની સલાહ મુજબ જે તે દર્દીઓને ટીમ દ્વારા દવાઓ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ જરૂર જણાય તો આ દર્દીઓને હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ:જ્યારે તાપમાનમાં વધારો થાય અથવા તો હિટ સ્ટ્રોકની આગાહી કરવામાં આવે તે દરમિયાન લોકોએ મુખ્યત્વે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ. તેમાં માટલાનું પાણી પીવું ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે. જ્યારે આ પ્રકારના વાતાવરણમાં વસ્ત્રોનું પણ મહત્વ ખૂબ જ હોય છે. જેમાં ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ અને સુતરાઉ કાપડ વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ આખું શરીર ઢંકાઈ જાય તે પ્રમાણે વસ્ત્રો પહેરવા જોઈએ. જેના કારણે શરીરમાં લૂ લાગવાની અસર થવાની શક્યતા ઓછી જોવા મળે છે.
લૂલાગવાથી બચી શકાય: જ્યારે કોઈપણ કામ કરતા હોવ ત્યારે વચ્ચે વચ્ચે સમય લઈને થોડો થોડો આરામ પણ કરવો જોઈએ. આ સાથે જ બિન જરૂરી કામ સિવાય તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો મોઢું અને માથું ઢંકાઈ તે પ્રમાણે માથા ઉપર ટોપી અને મોઢે રૂમાલ બાંધવો જોઈએ. તેમજ ફળ પણ પુષ્કળ પ્રમાણમાં આરોગવા જોઈએ અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં જવાનું ટાળવું જોઈએ. આ તમામ બાબતોની ચોકસાઈ રાખવાથી લૂ લાગવાથી બચી શકાય છે.
- Rajkot Crime Case: જેલ સુરક્ષા સામે ફરી સવાલ, મળ્યા મોબાઈલ અને તમાકુંની પડીકી
- Rajkot News : રાજકોટ જામનગર હાઇવે પર જીવલેણ અકસ્માત, ચાર લોકોના મોત
- Rajkot Airport Security : રાજકોટ એરપોર્ટ રનવે પર રિક્ષા ઘુસી જવાનો મામલો, દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચી