રાજકોટઃ"સુજલામ સુફલામ મલયજ શીતલામ સષ્ય શ્યામલામ માતરમ... "એ ફક્ત કવિતા નથી પરંતુ અફાટ કુદરતી સૌંદર્ય, પહાડો વચ્ચે વહેતી નદીઓ અને ઝરણાઓને અનુભવવાની અને માણવાની વાત છે. જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, રાજકોટના સાહસીક એવા નવયુવાન ફખરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદીએ. "યૌવન વીંઝે પાંખ" ઉક્તિને યથાર્થ સાબિત કરતા યુવાન ફખરીએ 22834 કી.મી. 140 દિવસની બાઈક પર સફર ખેડી નોર્થ - ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ ઇન્ડિયાના 20 જેટલા રાજ્યોની યાત્રા પૂર્ણ કરી હાલમાં જ રાજકોટ પરત ફર્યો છે.
ભારતને જોવું અને જાણવું હતું:યાત્રાનો ઉદેશ, તેના અનુભવો અને સફર કેવી રીતે પૂર્ણ કરી તેના વિષે જણાવતા ફખરુદ્દીન કહે છે કે, મારે વિદેશ જતાં પહેલાં ભારતને જોવું અને જાણવું હતું. સોલો ટ્રાવેલ એટલે કે તમારા કમ્ફર્ટ ઝોન અને રોજિંદી જિંદગીમાંથી બહાર નીકળી એક અલગ જગ્યા પર જાવ છો, જ્યાં તમારો પરિવાર ન હોય, જ્યાં તમારા મિત્ર કે કોઈ ઓળખીતા વ્યક્તિ ન હોય...બસ તમે એક પોતે જ હોવ, અને તમારા વિચારો અને એક નવી જગ્યા અને નવા લોકો. જેની સાથે તમે તમારો પુરો સમય વીતાવો છો, જે જગ્યા પર ભાષા અલગ છે, રીતરિવાજ અનોખા છે, જમવાનું અને રહેણીકરણી અલગ હોય ત્યાં જઇને તમે ફરો છો. અલગ અલગ પડકારોનો સામનો કરવાનો, અને તમારી કમજોરી અને તમારા સાચા વ્યક્તિત્વને નજીકથી જોવાનો મોકો મળે છે, દરરોજ એક નવી જ વસ્તુનો અનુભવ થાય છે, જ્યાં જિંદગીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે એક અલગ જ વાતાવરણ મળે છે અને તમારી જાત પરનો આત્મવિશ્વાસ વધારે દ્રઢ થાય છે.
3 ધામની યાત્રા:સેલ્ફ એક્સપ્લોર કરવાની મજા જ કંઈક ઓર હોવાનું જણાવતા ફખરુદ્દીન કહે છે કે, ભારત દેશ ખુબ જ સમૃદ્ધ છે. ભારત ભ્રમણ દરમ્યાન મેં ભારતના બધા પ્રખ્યાત અને આસ્થાના સ્થાનો જેમ કે બધા મંદિરો, દરગાહ, ગુરુદ્વારા અને ચર્ચ બધી જગ્યા જોઈ લીધા છે. મુસ્લિમ તરીકે મેં 3 ધામની યાત્રા પણ કરી લીધી છે, અને બધા ધર્મ અને સંપ્રદાયના નાગરિકોને નજીકથી જોયા અને બધી મહત્વની નદીઓ જેમ કે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને અન્ય ઘણી બધી નદીઓ જોઈ અને તેમનું પાણી પીધેલું છે. ફખરુદ્દીનને ફોટોગ્રાફીનો ખુબ શોખ છે, જે આ દિવસોમાં ખુબ કામ આવ્યો. એ કહે છે કે મેં માત્ર ભ્રમણ જ નહીં પરંતુ આ દિવસો દરમ્યાન મારો મૂળ વ્યવસાય એવો ગ્રાફિક ડિઝાઈનર તરીકેનું કામ પણ કર્યુ છે. લેપટોપ સાથે લઇને કામ, ફરવાનું અને નવી વસ્તુ જોવાનું-બધું સાથે સાથે થતું જતું હતું.