રાજકોટ :દેશમાં વિધિવત રીતે ચોમાસાએ વિદાય લીધી છે. એવામાં ચોમાસુ પૂર્ણ થતાની સાથે જ રાજકોટમાં ફરી પાણીની પારાયણ જોવા મળી રહી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. તેમજ રાજકોટના ન્યારી ડેમ અને આજી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવાની માંગ કરવામાં આવી છે. જોકે હજુ શિયાળાની શરૂઆત પણ થઈ નથી અને ઉનાળો આખો બાકી છે. એવામાં મહાનગરપાલિકા દ્વારા સૌની યોજનાના નીર માગવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળા દરમિયાન ફરી રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાય તો નવાઈ નહીં.
રાજકોટમાં પાણીની સ્થિતિ : રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને મેયર નયનાબેન પેઢડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આ વર્ષે વરસાદ ઓછો જોવા મળ્યો છે. જેના કારણે રાજકોટવાસીઓને પાણી માટે અન્ય સ્ત્રોતનો સહારો લેવો પડશે. ત્યારે કોર્પોરેશન દ્વારા સૌની યોજનાના નીર માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે હાલમાં આજી ડેમ 1 ની સપાટી કુલ 29 ફૂટની છે. એવામાં હાલ ડેમમાં 24 ફૂટ જેટલું પાણી છે. ન્યારી ડેમ 1 માં કુલ સપાટી 25 ફૂટની છે. જેમાં 23 ફૂટ જેટલું હાલ પાણી ભરેલું છે. તેમજ ભાદર ડેમમાં 32 ફૂટ જેટલો પાણીનો જથ્થો ભરેલો છે. જે આગામી થોડા દિવસો માટે જ ચાલશે.