રાજકોટમાં ગણેશજીની 6 ઇંચથી 25 ફૂટ સુધીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વેંચાણ - ગણેશ ચતુર્થી
રાજકોટઃ દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે હાલ કલકત્તાથી બંગાળી કારીગરો મોટી સંખ્યામાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જેઓ ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવી રહ્યા છે. દર વર્ષે રાજકોટમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિની બોલબાલા જોવા મળે છે.
જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશ ચતુર્થી આવે છે. ત્યારે દેશમાં ઠેર ઠેર ગણેશજીના પંડાલો જોવા મળે છે. રાજકોટમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજકોટના અલગ અલગ મિત્ર મંડળ, ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સોસાયટીના લોકો એકઠા થઇને ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે ગણેશજીની મૂર્તિના નિર્માણ માટે કારીગરોને માર્ચ મહિનામાં જ ઓર્ડર મળી ગયા હતા. બંગાળી કારીગરો દ્વારા પણ નવી થીમ સાથે મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. કારીગરો પણ હાલ ભક્તોને જોઈએ તે થીમ પર ગણેશજીની મૂર્તિ તૈયાર કરીને આપી રહ્યા છે. રાજકોટમાં રૂપિયા 250 લઇ રૂપિયા 2 કરોડ સુધીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ વર્ષે કારીગરો દ્વારા ગોલ્ડ, ચાંદી, ડાયમંડ થીમ પર ગણેશજીની મૂર્તિની નવી થીમ લઈને આવ્યા છે, જે મૂર્તિની કિંમત પણ વધારે જોવા મળી રહી છે.